ભરૂચ જિલ્લાના ઝઘડીયા તાલુકાના રતનપુર ગામ નજીક એક હાઇવા ટ્રકે એક રીક્ષાને પાછળથી ટક્કર મારતા રીક્ષા રોડની બાજુમાં પલટી મારી ગઇ હતી. અકસ્માતની આ ઘટનામાં રીક્ષા સવાર એક મહિલા સહિત બે વ્યક્તિઓ ઇજાગ્રસ્ત થઇ હતી.
આ અંગે રાજપારડી પોલીસમાંથી મળતી વિગતો મુજબ આજરોજ અંકલેશ્વર તાલુકાના ઉછાલી ગામના પ્રકાશભાઇ મંગાભાઇ વસાવા તુવેર વેચવા રીક્ષામાં રાજપારડી આવવા નીકળ્યા હતા. તેમની રીક્ષા ઝઘડીયા રાજપારડી વચ્ચે રતનપુર ગામ નજીકથી પસાર થઇ રહી હતી, ત્યારે તે દરમિયાન પાછળથી આવતી એક હાઇવા ટ્રકે રીક્ષાને પાછળથી ટક્કર મારતા રીક્ષા પલટી મારી ગઇ હતી. રીક્ષામાં બેઠેલા અંકુરબેન વસાવા તેમજ સંદિપભાઇને રીક્ષા પલટી મારતા ઇજાઓ થઇ હતી. રીક્ષામાં રાખેલ તુવેર રોડ પર વેરાઇ જવા પામી હતી. ઇજાગ્રસ્તોને સારવાર માટે ભરુચ સિવિલ હોસ્પિટલ ખાતે લઇ જવાયા હતા. અકસ્માત બાદ હાઇવા ટ્રકનો ચાલક ટ્રક ઘટના સ્થળ પર મુકીને નાશી છુટ્યો હતો. આ અંગે પ્રકાશભાઇ મંગાભાઇ વસાવા રહે.ઉછાલી તા.અંકલેશ્વરનાએ અકસ્માત સર્જી નાશી જનાર ટ્રક ચાલક વિરુધ્ધ રાજપારડી પોલીસમાં ફરિયાદ લખાવી હતી.
ગુલામહુશેન ખત્રી રાજપારડી જિ ભરૂચ