ભરૂચ જિલ્લા પોલીસ વડા તરીકે ડો. લીના પાટીલે હવાલો સંભાળ્યા બાદ જ એકશન મોડમાં આવી ગયા હતા. જિલ્લામાં પ્રોહીબિશન, જુગાર સહિતની અસામાજિક અને ગેરકાયદેસર પ્રવૃતિઓ ઉપર ગાજ વરસાવી શરૂ કરી દીધી હતી.
લો એન્ડ ઓર્ડર જાળવવા સાથે ગુનાખોરી અટકાવવા અને અસામાજિક પ્રવૃતિઓ ડામવા જિલ્લા પોલીસ તંત્રને એલર્ટ મોડમાં કરી દીધું હતું.
બીજી તરફ હવે ડિપાર્ટમેન્ટમાં પણ તેમણે વહીવટી કારણોસર અને જાહેરહિતમાં પગલાં લેવાના શરૂ કર્યા છે. મંગળવારે DSP ડો. લીના પાટીલ દ્વારા સાગમટે 20 પોલીસ જવાનોની બદલીના ઓર્ડરો કરવામાં આવતા પોલીસ બેડામાં સોપો પડી ગયો છે.
લોકલ ક્રાઈમ બ્રાન્ચ, ભરૂચ એ, બી, સી ડિવિઝન, અંકલેશ્વર GIDC, દહેજ મરીન, રાજપારડી, આમોદ, હાંસોટ, જિલ્લા ટ્રાફિક અને પેરોલ ફ્લો સ્કવોર્ડમાં હાલ ફરજ બજાવતા 20 પોલીસ કર્મચારીઓને હેડ કવાટર્સના હવાલે કરી દેવાયા છે. હેડ કવાટર્સમાં 20 પોલીસ જવાનોની સામુહિક બદલી કરી તેઓની હાજરી રોલકોલ માટે પણ જે તે અધિકારીને સૂચન કરાયું છે. જો બદલી કરાયેલ પોલીસ જવાન હેડ કવાટર્સ ઉપર ગેરહાજર રહે તો તે અંગે પણ રિપોર્ટ કરવા પોલીસ અધિક્ષકે તાકીદ કરી છે.
હારુન પટેલ : ભરૂચ