સ્ત્રી શિક્ષણની ચળવળનો પાયો નાખનાર મહાત્મા જ્યોતિબા ફુલેની આજે જન્મ જયંતી હોઇ તે નિમિત્તે ભરૂચ જિલ્લાના ચંદેરિયા ખાતે તેમની જન્મજયંતિની ઉજવણી કરવામાં આવી હતી.
અત્રે આયોજિત એક કાર્યક્રમમાં ઝઘડીયાના ધારાસભ્ય અને ભારતીય ટ્રાઇબલ પાર્ટીના સર્વેસર્વા છોટુભાઇ વસાવાના હસ્તે મહાત્મા જ્યોતિબા ફુલેની પ્રતિમાનું ખાતમૂહર્રત કરવામાં આવ્યુ. આ પ્રસંગે છોટુભાઇ વસાવા, ડેડીયાપાડાના ધારાસભ્ય મહેશભાઇ વસાવા સહિત બીટીપી અગ્રણીઓ તેમજ કાર્યકરો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. આ પ્રસંગે પ્રસંગોચિત વકતવ્યમાં અગ્રણીઓએ મહાત્મા જ્યોતિબા ફુલેની જીવન ઝરમરની માહિતી આપી હતી. જ્યોતિબા ફુલે એક સમાજસુધારક તેમજ લેખક પણ હતા. ઇતિહાસમાં તેમની ગણના પ્રાચિન સમયના વિદ્વાનોમાં થાય છે. તેમણે સ્ત્રી શિક્ષણની હિમાયત કરી હતી, અને સાવિત્રીદેવીને શિક્ષિકા બનાવીને સ્ત્રી શિક્ષણનો પાયો મજબુત બનાવ્યો હતો. શિક્ષણની સાથેસાથે તેમણે સમાજને ખેતી સંબંધી જાણકારી પણ આપી હતી. એક પ્રખર સમાજ સુધારક તરીકે તેમણે સ્ત્રીઓ અને વિધવાઓના ઉત્થાન માટે તેમજ અસ્પૃશ્યતા નિવારણના ક્ષેત્રે મોટું યોગદાન આપ્યુ હતું. આજે જ્યોતિબા ફૂલેની જન્મજયંતિની ઉજવણી નિમિત્તે ચંદેરીયા ખાતે યોજાયેલ એક કાર્યક્રમમાં મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા. આ પ્રસંગે બીટીપી અગ્રણી છોટુભાઈ વસાવાએ આગામી વિધાનસભાની ચુંટણીમાં બીટીપી અને આપના ગઠબંધન વિષે જણાવ્યુ હતુકે બન્ને પાર્ટીઓ આ બાબતે આગળ વધી રહેલ છે, અને ટુંક સમયમાં ગઠબંધન બાબતે નિર્ણય લઇને તબક્કાવાર આયોજન કરવામાં આવશે, એમ જણાવ્યું હતું.
ગુલામહુશેન ખત્રી રાજપારડી જિ.ભરૂચ
ભરૂચ : ચંદેરિયા ખાતે મહાત્મા જ્યોતિબા ફુલેની જન્મ જયંતિ નિમિત્તે તેમના સ્ટેચ્યુનું ખાતમુહૂર્ત કરાયું.
Advertisement