સતત વધતા સીએનજીના ભાવોને લઈ ચિંતિત બનેલા નવસારી જિલ્લાના રીક્ષા ચાલકોએ આજે જિલ્લા કલેકટરને આવેદનપત્ર આપી, સીએનજીના ભાવો ઘટાડવાની માંગ સાથે તમામ ઇંધણને જીએસટીમાં લાવી દેવાની માંગ પણ કરી છે. નહીં તો ગાંધી માર્ગે અને જરૂર પડ્યે સુભાષચંદ્ર બોઝના માર્ગે આંદોલન કરવાની ચીમકી ઉચ્ચારી છે.
પેટ્રોલ ડીઝલના ભાવોમાં દરરોજ થઈ રહેલા ભાવ વધારા સાથે પીએનજી અને સીએનજીના ભાવો પણ વધી રહ્યા છે. હાલમાં જ સીએનજીમાં 7 રૂપિયાનો વધારો થયો છે. જેને કારણે કોરોના કાળની માર સહન કરી હમણાં જ ઉભા થયેલા નવસારી જિલ્લાના અંદાજે 8 હજાર રીક્ષા ચાલકોની સ્થિતિ કફોડી બની છે. જેમાં પણ નવસારી-વિજલપોર શહેરમાં થોડા મહિનાઓ અગાઉ જ સિટી બસ શરૂ કરવામાં આવી છે, જેના કારણે પણ રિક્ષાચાલકોને મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. ત્યારે સીએનજીના વધતા ભાવોએ રિક્ષાચાલકોની કમર તોડી નાંખી છે. બીજી તરફ રિક્ષાચાલકોએ ભાડામાં વધારો કર્યો નથી. જેથી સરકાર તાત્કાલિક સીએનજીના ભાવોમાં ઘટાડો કરે અથવા સીએનજી સહિત પેટ્રોલિયમ પેદાશોને જીએસટીના દાયરામાં લાવે એવી માંગણી કરવામાં આવી છે. નહી તો રિક્ષાચાલકો પ્રથમ ગાંધી ચિંધ્યા માર્ગે અને યોગ્ય નિર્ણય ન આવે તો સુભાષચંદ્ર બોઝના માર્ગે પણ આંદોલન કરશેની ચીમકી ઉચ્ચારી છે.
પરિમલ મકવાણા નવસારી