ભગવાન શ્રીસ્વામિનારાયણ રચિત શિક્ષાપત્રીને ગિનિસ વર્લ્ડ રેકોર્ડસ, એશિયા બુક ઓફ રેકોર્ડસ્ અને ઇન્ડિયા બુક ઓફ રેકોર્ડસ્માં સ્થાન ૧૨૦ કિલો વજન ૮ ફૂટ પહોળાઇ અને ૫.૫ ફૂટ ઉંચાઇ ધરાવતી વિશ્વની સૌથી મોટી હસ્તપ્રત શિક્ષાપત્રી પરમ પૂજ્ય શ્રીજ્ઞાનજીવનદાસજી સ્વામી-કુંડળધામની પ્રેરણાથી તૈયાર કરાયેલી શિક્ષાપત્રી વડતાલધામને અર્પણ કરાઈ. વિશ્વની સૌથી મોટી હસ્તપ્રત તરીકે ભગવાન શ્રીસ્વામિનારાયણ રચિત શિક્ષાપત્રીને ગિનિસ વર્લ્ડ રેકોર્ડસ, એશિયા બુક ઓફ રેકોર્ડસ અને ઈન્ડિયા બુક ઓફ રેકોર્ડસ, આ ત્રણ એવોર્ડ એનાયત કરાયા છે.
આ સચિત્ર શિક્ષાપત્રીમાં ૨૧૨ શ્લોક, કુલ ૨૨૪ હસ્તલિખિત પેજ છે. આ હસ્તપ્રતનું લેખન તથા ચિત્રકામ કુંડળધામના 150 જેટલા હરિભક્તોએ માત્ર 24 કલાકમાં પૂર્ણ કર્યું હતું તથા બાઈન્ડીંગ માત્ર 10 કલાકમાં કરવામાં આવ્યું હતું. આજથી 196 વર્ષ પહેલા વડતાલધામે બિરાજી સ્વામિનારાયણ ભગવાને આ શિક્ષાપત્રી લખી હતી. તેથી પૂજ્ય સ્વામીજીએ શિક્ષાપત્રીની પ્રાગટ્ય ભૂમિ એવા વડતાલધામને અર્પણ કરી છે. કુંડળધામ દ્વારા પરમ પૂજ્ય શ્રીજ્ઞાનજીવનદાસજી સ્વામીની પ્રેરણાથી તૈયાર કરાયેલી આ હસ્તપ્રત શિક્ષાપત્રી વડતાલધામ ખાતે તૈયાર થઈ રહેલા શ્રી સ્વામિનારાયણ ભગવાનની પ્રસાદીભૂત વસ્તુઓના ભવ્ય મ્યુઝિયમના ખાતમુહૂર્ત પ્રસંગે તેનું લોકાર્પણ તથા વડતાલધામને અર્પણ કરવામાં આવી છે.
આ શિક્ષાપત્રીનો હેતુ માનવજાત અને ભક્તોના કલ્યાણ માટે ભગવાન શ્રીસ્વામિનારાયણના આશીર્વાદ અને આજ્ઞાઓનો લાભ પ્રાપ્ત થાય તેવો છે. દુનિયાની પ્રત્યેક વ્યક્તિ સુધી આ દિવ્ય સંદેશાઓ પહોંચે એવા માનવકલ્યાણના ઉમદા હેતુ સાથેની આ શિક્ષાપત્રીના તમામ ૨૨૪ પાનાઓ શરૂઆતથી અંત સુધી હસ્તલિખિત છે, તમામ ચિત્રો પણ હાથથી જ તૈયાર કરાયા છે. ક્યાંય પ્રિન્ટીંગ કરાયું નથી. ૧૯૬ વર્ષ પહેલા વડતાલધામમાં રહીને ભગવાન શ્રીસ્વામિનારાયણે ૨૧૨ શ્લોકની આ શિક્ષાપત્રીની રચના મૂળ સંસ્કૃત ભાષામાં કરી હતી. જેને હાલ સંસ્કૃત, હિન્દી, ગુજરાતી અને અંગ્રેજી ભાષામાં મોટા કદમાં તૈયાર કરવામાં આવી છે તે આઠ ફૂટ પહોળી, સાડા પાંચ ફૂટ ઉંચી તથા ૧૨૦ કિલો વજનની છે.
અત્રે નોંધપાત્ર બાબત એ છે કે, ગિનિસ વર્લ્ડ રેકોર્ડસની વેબસાઈટમાં એવી ખાસ નોંધ કરાઈ છે કે સ્વામિનારાયણ સંપ્રદાયના કરોડો હરિભક્તો આ શિક્ષાપત્રીને તેમની પ્રાતઃપૂજામાં રાખી નિત્ય પઠન કરે છે. જેનાથી કરોડો મોક્ષભાગી જીવાત્માઓ સદાચાર એવં ભગવત્પ્રાપ્તિના માર્ગે આ લોક પરલોકનું શ્રેય પ્રાપ્ત કરે છે. ત્યારે વડતાલમાં અર્પણ કરાયેલ આ સચિત્ર શિક્ષાપત્રી કરોડો મુમુક્ષુઓ માટે એક અનોખું દિવ્યદર્શનનું સંભારણું બની રહેશે. આ પ્રસંગે પૂજ્ય શ્રીજ્ઞાનજીવનદાસજી સ્વામીને વડતાલ પીઠાધિપતિ આચાર્ય શ્રીરાકેશપ્રસાદજી મહારાજ તથા સંતોની નિશ્રામાં વરિષ્ઠ સંતોના હસ્તે સર્ટીફીકેટ તથા મેડલ પણ અર્પણ કરવામાં આવ્યા હતા.
નરેશ ગનવાણી : નડિયાદ