રાજ્યમાં નવી પેન્શન યોજનાને સ્થાને જુની પેન્શન યોજના પુનઃ લાગુ કરવા અંગે છોટાઉદેપુર જીલ્લા પુરવઠા અધિકારી અભિષેક સિન્હાને આવેદનપત્ર આપી રજુઆત કરવામાં આવી હતી.
નેશનલ ઓલ્ડ પેન્શન ફેડરેશનના નેજા હેઠળ ગુજરાત રાજ્યમાં રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ ગુજરાત, ભારતીય મજદૂર સંઘ ગુજરાત તથા અન્ય સંગઠનો લાંબા સમયથી નવી પેન્શન યોજના બંધ કરી જૂની પેન્શન યોજના પુનઃ લાગુ કરવા બાબતે રાજ્ય સરકાર સમક્ષ રજુઆત કરી ચુક્યા છે. રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ, ભારતીય મજૂર સંઘ તથા અન્ય સંગઠનો દ્વારા સાથે મળી બનાવેલ રાષ્ટ્રીય ઓલ્ડ પેન્શન સંયુક્ત મોરચા દ્વારા માંગ કરવામાં આવી છે કે ગુજરાત રાજ્યમાં નવી પેન્શન યોજના બંધ કરી જૂની પેન્શન યોજના પુનઃ શરૂ કરવામાં આવે બંધારણની સાતમી અનુસૂચિ હેઠળ રાજ્યના વિષયોમાં ૪૨ મા સ્થાને રાજ્ય દ્વારા ચૂકવવામાં આવતા પેન્શન અથવા એકીકૃત ભંડોળમાંથી ચૂકવવામાં આવતા પેન્શનએ રાજ્ય સરકારનો વિષય છે, તેવો ઉલ્લેખ કરાયો છે કેન્દ્ર સરકાર આમાં હસ્તક્ષેપ કરી શકે નહીં આથી ૨૨ ડિસેમ્બર ૨૦૦૩ ના રોજ જારી કરાયેલ નવી પેન્શન યોજનાના કેન્દ્ર સરકારના ઠરાવમાં રાજ્ય સરકાર દ્વારા નવી પેન્શન યોજના ફરજિયાત પણે સ્વીકારવા જણાવ્યું નથી. આ વ્યવસ્થાને વૈકલ્પિક રાખવામાં આવી છે. જુની પેન્શન યોજનાની સામે નવી પેન્શન યોજનામાં કર્મચારીઓને નવું પેન્શન મળે છે તે નિર્વિવાદ બાબત છે. પરંતુ નિવૃત્તિ બાદ નજીવી રકમમાં જીવનનિર્વાહ થઈ શકે તેમ નથી. ભારતભરમાં વિવિધ રાજ્યમાં જૂની પેન્શન યોજના લાગુ છે, તથા ઘણા રાજ્ય કર્મચારી હિતમાં નવી પેન્શન યોજના દૂર કરી જુની પેન્શન યોજનાનો પુન: અમલ કરી રહ્યા છે. ગુજરાત રાજ્ય કરતાં રાજસ્થાન, છત્તીસગઢ રાજ્ય નાણાંકીય રીતે ઓછા સમૃધ્ધ હોવા છતાં તે રાજ્ય સરકારો દ્વારા જૂની પેન્શન યોજનાને પુનઃ લાગુ કરવામાં આવી છે. ઉપરાંત ગુજરાતના વિકાસમાં કર્મચારીઓનો વિશેષ ફાળો રહ્યો છે સંગઠનને આશા છે કે ગુજરાતની લોકપ્રિય સરકાર કર્મષ્ઠ કર્મચારીઓના કામની કદર કરી નિવૃત્ત થયેલ તથા નિવૃત્ત થતા કર્મચારીઓના જીવનમાં સુરક્ષા લાવવા માટે યોગ્ય નિર્ણય કરાશે.
ફૈજાન ખત્રી જિ.છોટાઉદેપુર