ગુજરાતમાં વર્ષ 2003 -04 નવી પેન્શન યોજના લાગુ કરવામાં આવી છે જેના કારણે ગુજરાત રાજ્યના તમામ કર્મચારીઓ દ્વારા વિરોધ પ્રદર્શિત કરવામાં આવે છે જેના ભાગરૂપે આજે નડિયાદ ખાતે સંતરામ મંદિ પાસે રાષ્ટ્રીય શૈક્ષણિક મહાસંઘ દ્વારા ધરણા કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો અને કલેકટરને આવેદનપત્ર પણ પાઠવવામાં આવ્યું હતું.
આ ધરણાના કાર્યક્રમમાં 1500 થી 2000 શિક્ષકો જોડાયા હતા અને જણાવ્યું છે કે ગુજરાત રાજ્યમાં જૂની પેન્શન યોજના લાગુ કરવી જોઈએ, શૈક્ષણિક સંઘની મુખ્ય માંગણીઓ છે કે આધુનિક સમયમાં મોંઘવારી વધતી જાય છે જેના કારણે કર્મચારીઓના હિતમાં જૂની પેન્શન યોજના જે છે તેને પુનઃ લાગુ કરવી જોઈએ. બંધારણની સાતમી અનુસૂચિ હેઠળ રાજ્યના વિષયોમાં 42 મા સ્થાને- રાજ્ય દ્વારા ચૂકવવામાં આવતા પેન્શન અથવા એકીકૃત ભંડોળમાંથી ચૂકવવામાં આવતા પેન્શનએ રાજ્ય સરકારનો વિષય છે, તેવો ઉલ્લેખ કરાયો છે. કેન્દ્ર સરકારઆમાં હસ્તક્ષેપ કરી શકે નહીં. આથી 22 ડિસેમ્બર 2003ના રોજ જારી કરાયેલ નવી પેન્શન યોજનાના કેન્દ્ર સરકારના ઠરાવમાં રાજ્ય સરકાર દ્વારા નવી પેન્શન યોજના ફરજિયાત પણે સ્વીકારવા જણાવ્યું નથી. આ વ્યવસ્થાને વૈકલ્પિક રાખવામાં આવી છે. જૂની પેન્શન યોજનાની સામે નવી પેન્શન યોજનામાં કર્મચારીઓને નજીવું પેન્શન મળે છે તે નિર્વિવાદ બાબત છે.નિવૃત્તિ બાદ પેન્શનની નજીવી રકમમાં જીવનનિર્વાહ થઈ શકે તેમ નથી. ભારતભરમાં વિવિધ રાજ્યમાં જૂની પેન્શન યોજના લાગુ છે તથા ઘણા રાજ્ય કર્મચારી હિતમાં નવી પેન્શન યોજના દૂર કરી જૂની પેન્શન યોજનાનો પુનઃ અમલ કરી રહ્યા છે. ગુજરાત કરતાં રાજસ્થાન, છત્તીસગઢ નાણાંકીય રીતે ઓછા સમૃદ્ધ હોવા છતાં, રાજ્ય સરકાર દ્વારા જૂની પેન્શન યોજનાને પુનઃ લાગુ કરવામાં આવી છે. ગુજરાતના વિકાસમાં કર્મચારીઓનો વિશેષ ફાળો રહ્યો છે.
સંગઠનને આશા છે કે ગુજરાતની લોકપ્રિય સરકાર કર્મઠ કર્મચારીઓના કામની કદર કરી નિવૃત્ત થયેલ તથા નિવૃત્ત થતા કર્મચારીઓના જીવનમાં સુરક્ષા લાવવા માટે યોગ્ય નિર્ણય કરશે. આ માટે રાષ્ટ્રીય ઓલ્ડ પૅન્શન સંયુક્ત મોરચો ગુજરાત રાજ્ય આવેદનપત્ર આપી સત્યનો આગ્રહ કરી, વિકાસના મોડલ ગુજરાતને વિકાસની નવી ઉંચાઈઓ સુધી પહોંચાડી રહેલા કર્મચારીઓના નિવૃત્ત જીવનને સુરક્ષિત બનાવવા નવી પેન્શન યોજના દૂર કરી જૂની પેન્શન યોજના પૂનઃ લાગુ કરે માંગ કરી છે.
નરેશ ગનવાણી : નડિયાદ