વડોદરા જિલ્લાના કરજણ તાલુકા સેવાસદન ખાતે ફરજ બજાવતા સર્કલ અધિકારી તેમજ ઓપરેટર એસીબી ના છટકામાં આબાદ સપડાઈ જવા પામ્યા હતા. ACB ના અધિકારીઓએ બન્ને કર્મીઓને રંગે હાથ લાંચ લેતા ઝડપી પાડતા લાંચિયા અધિકારીઓમાં ફફડાટ વ્યાપી જવા પામ્યો છે. પ્રાપ્ત માહિતી અનુસાર કરજણ તાલુકાના અણસ્તુ ગામની જમીનની મેટર બાબતે RTS કેસના વહીવટમાં રૂ 55 હજારની માંગણી કરાઈ હતી.
લાંચ બાબતે અરજદારે ACB કચેરી વડોદરા ખાતે જાણ કરતા વડોદરા ACB ટીમ દ્વારા ગતરોજ મોડી સાંજે અરજદારને સાથે રાખી છટકું ગોઠવી બન્ને લાંચિયા કર્મીઓને લાંચ લેતા રંગે હાથ ઝડપી પાડયા હતા. અત્રે ઉલ્લેખનીય છે કે અગાઉ પણ કરજણ તાલુકા સેવા સદન ખાતે લાંચ લેતા નાયબ મામલતદાર અને તે અગાઉ પણ સબ રજિસ્ટ્રાર કચેરીમાં પણ એક કર્મી લાંચ લેતા રંગેહાથ ઝડપાઇ ગયો હતો. કરજણ તાલુકા સેવાસદનને જાણે કે ગ્રહણ લાગ્યું હોય એમ લાંચ લેવાના કિસ્સાઓ એક પછી એક સમયાંતરે સામે આવતા હોય છે. ગતરોજ મોડી સાંજે ACB ની સફળ ટ્રેપમાં ઓપરેટર ભાગ્યશ્રી પાસેથી રૂ. 5 હજાર અને સર્કલ ઓફિસર પાસેથી રૂ. 50 હજાર નીકળ્યા હોવાનું કહેવાય છે. બંને આરોપીને વડોદરા ખાતે લઈ જવામાં આવ્યા હતા.
યાકુબ પટેલ, કરજણ