ભરૂચ જિલ્લાના ઝઘડીયા તાલુકામાં તા.૯ મી એપ્રિલથી તા.૧૦ મી સપ્ટેમ્બર સુધીના સમયગાળા દરમિયાન કુલ છ જેટલા સેવાસેતુ કાર્યક્રમો યોજાશે. પ્રાપ્ત વિગતો મુજબ તા.૯ મી એપ્રિલે ઝઘડીયા ખાતે કોમ્યુનિટી હોલમાં, તા.૧૪ મી મે ના રોજ રાજપારડી પ્રાથમિક શાળા ખાતે, તા.૧૧ મી જુને સારસા પ્રાથમિક શાળા ખાતે, તા.૯ મી જુલાઇએ ઉમલ્લા પ્રાથમિક શાળા ખાતે, તા. ૧૩ મી ઓગસ્ટના રોજ પિપલપાન પ્રાથમિક શાળા ખાતે તેમજ તા.૧૦ મી સપ્ટેમ્બર ના રોજ તલોદરા પ્રાથમિક શાળા ખાતે સેવાસેતુ કાર્યક્રમો યોજવામાં આવનાર છે. આ છ સ્થળોએ એકએક મહિનાના અંતરે યોજાનાર સેવાસેતુના કાર્યક્રમોમાં તાલુકાના કુલ ૧૨૨ જેટલા ગામોને સમાવી લેવામાં આવ્યા છે. ઝઘડીયા મામલતદાર અને આયોજન સહ તાલુકા વિકાસ અધિકારીના માર્ગદર્શન હેઠળ યોજાનાર અા સેવાસેતુના કાર્યક્રમોમાં જેતે સેવાસેતુ કાર્યક્રમ સાથે સમાવી લેવાયેલ ગામોની જનતાના વિવિધ કામોનો સ્થળ પર નિકાલ કરવાની કામગીરી હાથ ધરવામાં આવશે. રેશનકાર્ડ આધારકાર્ડ સંબંધી કામગીરી ઉપરાંત વિવિધ દાખલાઓ આપવા ઉપરાંત અન્ય કેટલાક જરુરી કામોને લગતી કામગીરી સ્થળ ઉપર કરી આપવામાં આવશે. ઘરઆંગણે લોકોના વિવિધ કામોનો નિકાલ કરવાના હેતુથી સેવાસેતુ કાર્યક્રમ યોજવામાં આવતા હોય છે.
ગુલામહુશેન ખત્રી રાજપારડી જિ.ભરૂચ