ભરુચ જિલ્લાના ઝઘડીયા ખાતે તાલુકા સેવા સદનમાં નાગરિકોના કામો બાબતે લાલીયાવાડી મોટા પાયે ચાલી રહી હોવાની વ્યાપક બુમો ઉઠી રહી છે. નાગરીકોની સેવા માટે ઓફિસોમાં ફરજ બજાવતા સરકારી બાબુઓને નાગરિકોના કામ કરવામાં જાણે રસ જ ના હોય તેવું હાલના સમયે ઘણી જગ્યાએ દેખાતું હોય છે. આવું જ કંઇક ઝઘડીયા ખાતે સેવાસદનમાં થતું હોવાની લોક ફરિયાદો લાંબા સમયથી ઉઠવા પામી છે. નાગરિકોના રેશનકાર્ડ સંબંધી કામગીરી ઉપરાંત ખેડૂતોના વિવિધ કામો તેમજ બીજા પણ ઘણા કામો બાબતે નાગરિકો ધરમધક્કા ખાઇને બેહાલ બની રહ્યા છે.
ત્યારે મળતી વિગતો મુજબ આજરોજ ભરૂચ જિલ્લા કલેકટર તુષાર સુમેરા ઝઘડિયા સેવાસદનના આકસ્મિક ચેકિંગ માટે આવતા સેવાસદનમાં કર્મચારીઓ તેમજ અધિકારીઓમાં ફફડાટ ફેલાવા પામ્યો હતો. આશરે સવા અગિયારના સમયે કલેકટરે મામલતદાર કચેરીની મુલાકાત લીધી હતી. સામાન્યરીતે આ સમયે કર્મચારીઓ અને અધિકારીઓ ઓફિસમાં હોવા જોઇએ ! પરંતું તે સમય દરમિયાન ઝઘડિયા સેવા સદનના ઈન્ચાર્જ મામલતદાર તથા પુરવઠા વિભાગના ક્લાર્ક સહિતના કેટલાક કર્મચારીઓ તેમની ઓફિસમાં ન હતા, એવું જાણવા મળ્યુ હતું. કલેક્ટરની ઓચીંતી મુલાકાત ટાણે કેટલાક કર્મચારીઓ તેમજ અધિકારીઓ ઓફિસમાં ગેરહાજર જણાતા તેમના વિરુદ્ધ નોટિસો કાઢવાનું કહેવાયું હતું.
જાણવા મળતી માહિતી મુજબ કેટલાક રાજ્કીય આગેવાનોએ ઝઘડિયા સેવા સદનમાં ચાલતી લાલીયાવાડી બાબતે જિલ્લા કલેકટરનું ધ્યાન દોરતા કલેકટર દ્વારા આકસ્મિક ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું. જિલ્લા કલેકટરની ઝઘડીયા ખાતે મામલતદાર ઓફિસની આકસ્મિક મુલાકાત બાબતે વિગતો જાણવા મામલતદાર કચેરીનો સંપર્ક સાધવાનો પ્રયત્ન કરતા કોઇ સંપર્ક થઇ શક્યો નહતો. હાલમાં વધુમાં મળતી વિગતો મુજબ ઝઘડીયા મામલતદાર કચેરીના બે કારકુનોની વાલિયા અને અંકલેશ્વર ખાતે બદલીનો હુકમ કરાતા ઝઘડીયા મામલતદાર કચેરી સંકુલમાં સન્નાટો જોવા મળ્યો હતો. જિલ્લા કલેક્ટરના આકસ્મિક ચેકિંગને પગલે ઝઘડીયા સહિત જિલ્લાની અન્ય કચેરીઓના કેટલાક ફરજમાં ચુક દાખવનાર કર્મચારીઓ અને અધિકારીઓમાં ફફડાટ ફેલાયો હોવાનું સામે આવ્યુ હતુ.
ગુલામહુશેન ખત્રી રાજપારડી જિ.ભરૂચ