Proud of Gujarat
FeaturedGujaratINDIA

ઝઘડિયાના ટોઠીદરા ગામના ગ્રામજનો દ્વારા રેત માફિયાઓ વિરુદ્ધ જિલ્લા કલેકટરને આવેદન પાઠવાયું.

Share

ભરૂચ જિલ્લાના ઝઘડિયા તાલુકાના ટોઠીદરાના ગ્રામજનોએ નર્મદાના પટમાં આડેધડ થતા રેત ખનન બાબતે જિલ્લાના ભુસ્તર વિભાગ પર ગંભીર આક્ષેપો સાથેનું આવેદન જિલ્લા કલેક્ટરને આપતા ચકચાર મચી જવા પામી હતી. નર્મદાના પટમાં નિયમોનો ભંગ કરીને ગેરકાયદેસર રીતે થતું રેતીખનન એક સળગતો પ્રશ્ન ગણાય છે. આ બાબતે ભરુચના સાંસદ મનસુખભાઇ વસાવા પણ જવાબદાર અધિકારીઓને ટકોર કરી ચૂક્યા છે, પરંતુ વહીવટી તંત્રના મેળાપીપણામાં થતું ગેરકાયદેસર રેતખનન સાંસદની ટકોરને પણ નજર અંદાજ કરી ચલાવાય રહ્યું છે, જે દુખદ ગણાય. ગેરકાયદેસર રીતે ઉલેચાતી રેતીની વહન પ્રક્રિયામાં સેંકડો વીઘા જમીનમાં ઉભેલા પાકને પણ નુકસાન થયું હોવાના આક્ષેપ સાથેની લડત ખેડૂતો વર્ષોથી ચલાવી રહ્યા છે, પરંતુ ગેરકાયદેસર રીતે થતી રેતી ખનનની પ્રવૃત્તિ જવાબદાર વહીવટીતંત્ર અટકાવી શકતું નથી.

ઝઘડિયા તાલુકાના ટોઠીદરા ગામના ગ્રામજનોએ ગતરોજ જિલ્લા કલેકટરને આવેદનપત્ર આપી જણાવ્યું હતુ કે જુના ટોઠિદરા ગામના નર્મદા નદીના પટ વિસ્તારમાંથી ખાણ ખનીજ વિભાગ ભરૂચના અધિકારીઓની મિલીભગતના કારણે આડેધડ રેતી ઉલેચાય છે. આવેદનમાં ગામના સરપંચની પણ રેત માફિયાઓ સાથે મિલીભગત હોવાનો આક્ષેપ કરાયો છે. કેટલાક ઇસમો રાતદિવસ ગેરકાયદેસર રીતે રેત ખનન કરી રહેલ હોઇ સરકારી તિજોરીને લાખો રૂપિયાનું નુકસાન થઇ રહેલ છે. આ બાબતની સંપૂર્ણ જાણકારી ભૂસ્તર વિભાગના અધિકારીને હોવા છતાં તેઓ આંખ આડા કાન કરે છે. જવાબદાર ભુસ્તર અધિકારીની પણ ગેરકાયદેસર રેત ખનનમાં હિસ્સેદારી હોવાનો આક્ષેપ આવેદન પત્રમાં કરાયો હતો. આ બાબતની તેઓને જાણ કરવામાં આવે છે તો તરત જ ભુસ્તર શાસ્ત્રી દ્વારા ગેરકાયદેસર રીતે રેતી ખનન કરનારને તેની જાણકારી કરી દે છે, એવો પણ આક્ષેપ કરાતા ચકચાર મચી જવા પામી છે. હાલમાં જૂના ટોઠિદરા ગામે નદીના પટ વિસ્તારમાંથી હજારો મેટ્રિક ટન રેતીની ચોરી થઇ હોવાનું જણાવીને તેની જવાબદારી ભૂસ્તરશાસ્ત્રી તેમજ ગ્રામ પંચાયતના સરપંચની હોવાનો પણ આવેદનમાં આક્ષેપ કરવામાં આવ્યો હતો. આ બાબતે કાર્યવાહી કરવામાં આવે અને તેની ગંભીર નોંધ લેવામાં આવે તેમ આવેદનમાં જણાવાયુ હતું.

ગ્રામજનોએ વધુમાં જણાવ્યું હતું કે અગાઉ પણ તા. ૨૮.૨.૨૨ ના રોજ રેતી ઉલેચવાની મશીનરી પકડી ખાણ ખનીજ વિભાગને જાણ કરવામાં આવેલ હતી. ખાણ ખનીજ વિભાગની ટીમ સ્થળ પર આવીને સ્થળ નિરીક્ષણ કરી અધૂરી કામગીરીથી સંતોષ માન્યો હતો. અને કોઈ નક્કર કામગીરી કરેલ નથી. ટોઠીદરા ગામનો વિજપરી વડ વાળો ખેડૂતોનો પગદંડી રસ્તો મામલતદારના હુકમથી બંધ કર્યો હતો, તેમ છતાં ગ્રામ પંચાયતના સરપંચ દ્વારા સરકારના નિયમ વિરુદ્ધ જઈને લગભગ ૩ લાખ રૂપિયાની રકમ લઈને ખેડૂતોના રસ્તાને ખુલ્લો કરી દેવામાં આવેલ છે, અને આ રસ્તા પરથી રોજની પાંચસોથી વધુ રોયલ્ટી વગરની રેતીની ટ્રકો અવરજવર કરે છે. ખેડૂતોને લાખો રૂપિયાનું નુકસાન થાય છે. જો આ ગેરકાયદેસર રીતે રેતીનું ખનન બંધ કરવામાં નહીં આવે તો ગ્રામજનો તેમજ ખેડૂતો ભૂખ હડતાલનો આશરો લઇને ગાંધી ચિંધ્યા માર્ગે સત્યાગ્રહ કરશે તેવી ચીમકી ઉચ્ચારી હતી.

Advertisement

ગુલામહુશેન ખત્રી રાજપારડી જિ.ભરૂચ


Share

Related posts

અંકલેશ્વર : નવી નગરીમાં જુગાર રમાડતી મહિલા સહિત 6 જુગારિયાઓને ઝડપી પાડયા.

ProudOfGujarat

ભરૂચ : પાનોલી જી.આઈ.ડી.સી.ની સલ્ફર મિલમાં કેમિકલ ચેમ્બરની સફાઈ કરતાં કામદારને ગેસની અસરથી મોત નીપજ્યું.

ProudOfGujarat

અંકલેશ્વર : સુજલામ સુફલામ અંતર્ગત ખોદવામાં આવેલુ તળાવ શોભાના ગાંઠિયા સમાન…

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!