બોડેલીના અલીપુરા વિસ્તારમાં શ્રી કોમ્પલેક્ષમાં કાર્યરત એક્સિસ બેંકમાં રાત્રિ દરમ્યાન બારીની જાળી તોડી તસ્કરો અંદર ઘૂસ્યા અને સ્ટ્રોંગ રૂમ તોડવાનો નિષ્ફળ પ્રયત્ન કર્યો હતો. જોકે બ્રાન્ચ મેનેજરની કેબિનનો કાચ તોડી કમ્પ્યૂટરના 3 મોનીટર, 1 સીપીયુ, 42 ઇંચનુ એલઈડી ટીવી અને 3 સીસીટીવી કેમેરા ઉઠાવી લઈને કુલ 71 હજાર રૂપિયાની મતા ઉઠાવી ગયા હતા. જ્યારે ડીવીઆરને તોડી નાખ્યું હતું. બેંક મેનેજરની ફરિયાદને આધારે બોડેલી પોલીસે સઘન તપાસ હાથ ધરી છે.
શનિવારે સાંજે બેંક બંધ કરી ગયા હતા અને રવિવારની રજા પછી સોમવારે જ્યારે એક્સિસ બેંકને સવારે 9 કલાકે ઓપરેશન મેનેજર કુનાલભાઈ દ્વારા ખોલવામાં આવી ત્યારે માલૂમ પડ્યું કે ચોરી થઈ છે જેથી બેંક મેનેજર ભાવેશ પટેલને જાણ કરી હતી. મેનેજર સહિત સ્ટાફ આવી જતા અંદર જઈને જોયું તો તસ્કરોએ તોડફોડ અને વેર વિખેર કર્યું હતું. બેંકના વોલ્ટ રૂમને પણ ક્ટરથી તોડવાનો પ્રયાસ થયો હતો. બોડેલીમાં જુદાજુદા વિસ્તારમાં કુલ 20 જેટલી અલગ અલગ બેન્કો આવેલી છે ત્યારે તસ્કરોએ હવે ઘર, દુકાન, મંદિર પછી બેંકને નિશાન બનાવતા લોકોમાં ફફડાટ વધ્યો છે.
ફૈજાન ખત્રી કલારાણી જી.છોટાઉદેપુર