કરજણના દેથાણ ગામે રહેતાં અને નિરાંત પંથની મૂળ ગાદી ઉર્ફે નિરાંત વચન હરજી ગુરુ જ્ઞાન ગાદી-દેથાણના આચાર્ય રતુરામજીને નિર્વાણપદની પ્રાપ્તિને એક વર્ષ પૂર્ણ થતાં પ્રથમ નિર્વાણદિન મહોત્સવ ઉજવાયો હતો.
આ ઉત્તમ અવસરે દિવસ- રાત યોજાયેલા પ્રસંગોમાં સૌપ્રથમ તેમના ધામ હરજી કુટીરથી હાલના આચાર્ય રોહિતરામજીનું સંત સામૈયું સ્મૃતિ સ્મારક ધામ સુધીના હાલના આચાર્ય રોહિતરામના સંત સમૈયું દરમિયાન ભજનોના તાલે આખું વાતાવરણ ભક્તિમય બની ગયું હતું. ત્યારબાદ પોતાના હજારો ભક્તો માટે આખું જીવન સમર્પિત કરી દેનારા સ્વ. આચાર્ય રતુરામજીની સ્મૃતિમાં પડીડેરી તા. જાંબુઘોડાના ભક્ત સ્વ. ત્રિકમભાઈ અને તેમના પરિવાર (પડીડેરી તા. જાંબુઘોડા ) તરફથી ભેટ અપાયેલ પ્રતિમાનું સ્મૃતિ સ્મારક ધામ ખાતે અનાવરણ કરાયું હતું.
આ પ્રસંગે રતુરામ યુવા સુધારક સેવા સંઘનો સ્થાપના દિન હોય શ્રી બાબુરામ ભજન મંડળ – પડીડેરી દ્વારા વ્યસન સબંધિત ભજનના તાલે સુંદર નાટક રજૂ કરાયું હતું અને આંતરરાષ્ટ્રીય ખ્યાતિ પામેલા કલાકાર ભરત બારીયા દ્વારા સ્વ. રતુરામજીની શ્રદ્ધાંજલિ ગીતની સુંદર કૃતિ રજૂ કરાતાં આખો ભક્ત સમુદાય તેમની યાદોમાં ડૂબી જતાં ભાવવિભોર બની ગયો હતો. પ્રસંગને અંતે હાલના આચાર્ય રોહિતરામે વ્યસન મુક્તિ અભિયાન અંતર્ગત સુંદર પ્રવચન કર્યું હતું. આ પ્રસંગે કરજણના પૂર્વ ધારાસભ્ય સતીશભાઈ પટેલ, તાલુકા ભાજપ પ્રમુખ જયદીપસિંહ ચૌહાણ સહિત અન્ય હોદ્દેદારો, સંતો હાજર રહ્યા હતા.
યાકુબ પટેલ, કરજણ