ભરૂચ જિલ્લાના ઝઘડીયા તાલુકાના આંબાખાડી ગામે પત્થરની ખાણ બાબતે મામલતદારને અરજી કરી હોવાનો વહેમ રાખીને ઝઘડો કરાતા એક મહિલા સહિત કુલ ચાર વ્યક્તિઓ સામે ફરિયાદ લખાવા પામી છે.
આ અંગે મળતી વિગતો મુજબ આંબાખાડી ગામે રહેતા અશ્વિનભાઇ બાબરભાઇ વસાવા ગત તા.૩૦ મીના રોજ રાતના સાડા નવ વાગ્યાના સમયે ઘરની બહાર બેઠા હતા ત્યારે ગામના અરુણભાઇ પ્રભાતભાઇ વસાવા ધારીયુ લઇને તથા રાકેશભાઇ પ્રભાતભાઇ વસાવા કુહાડી લઇને તથા મંજુલાબેન વસાવા ઇંટ લઇને તેમજ ઉમેદભાઇ વસાવા રહે.ગામ મહુવાડાના લોખંડની પાઇપ લઇને ત્યાં આવ્યા હતા. તે લોકો અશ્વિનભાઇને ગાળો બોલીને કહેવા લાગ્યા હતા કે અમારી પત્થરની ખાણ બાબતે તમે મામલતદારને અરજી કરી હતી, તેથી મામલતદાર અમારી ખાણ ચેક કરવા આવ્યા હતા. ત્યારે અશ્વિનભાઇએ જણાવેલ કે મેં એવી કોઇ અરજી કરી નથી. આ સાંભળીને અરુણભાઇએ તેની પાસેનું ધારીયુ ઉંધુ અશ્વિનભાઇના ખભાના ભાગે મારી દીધુ હતું. અશ્વિનભાઇએ બુમાબુમ કરતા તેમના મમ્મી શારદાબેન તેમજ નાનોભાઇ કલ્પેશ અને તેની પત્નિ પદમાબેન દોડી આવ્યા હતા. આ ઝઘડા દરમિયાન શારદાબેનને માથાના ભાગે પાઇપનો સપાટો માર્યો હતો, કલ્પેશભાઇને માથાના ભાગે અછડતી કુહાડીની મુદર વાગી ગઇ હતી. આ ઝઘડામાં પદમાબેન પણ ઇજાગ્રસ્ત થયા હતા. ત્યારબાદ આ લોકો હવે પછી અરજી કરશો તો તમોને જાનથી મારી નાંખીશું એવી ધમકી આપીને જતા રહ્યા હતા. ઇજાગ્રસ્તોને અવિધા ખાતે પ્રાથમિક સારવાર અપાવ્યા બાદ વધુ સારવારની જરુરવાળા ઇજાગ્રસ્તોને ભરૂચ સિવિલ હોસ્પિટલ ખાતે લઇ જવાયા હતા. આ બનાવ બાબતે અશ્વિનભાઇ બાબરભાઇ વસાવા રહે.આંબાખાડીનાએ અરુણભાઇ પ્રભાતભાઇ વસાવા, રાકેશ પ્રભાતભાઇ વસાવા અને મંજુલાબેન પ્રભાતભાઇ વસાવા ત્રણેય રહે.ગામ આંબાખાડી તા.ઝઘડીયાના તેમજ ઉમેદભાઇ વસાવા રહે.ગામ મહુવાડા તા.ઝઘડીયાના વિરુધ્ધ રાજપારડી પોલીસમાં ફરિયાદ લખાવી હતી.
ગુલામહુશેન ખત્રી રાજપારડી જિ.ભરૂચ