દેશ સહિત રાજ્યમાં દિનપ્રતિદિન મોંઘવારીમાં વધારો નોંધાઈ રહ્યો છે, ખાસ કરી પેટ્રોલ, ડીઝલ અને ગેસની કિંમતોમાં રોજબરોજ વધારો નોંધાતા સામાન્ય વ્યક્તિ માટે જીવન જીવવું મુશ્કેલી સમાન બન્યું છે, જેવા આક્ષેપો સાથે કોંગ્રેસ પાર્ટી દ્વારા કેન્દ્રની મોદી સરકાર અને રાજ્ય સરકાર સામે “મહંગાઈ મુક્ત ભારત અભિયાન” ની શરૂઆત કરી સરકારને ઘેરવાનો પ્રયાસ કર્યો છે.
સમગ્ર રાજ્યના વિવિધ શહેરોમાં ગુજરાત કોંગ્રેસ દ્વારા મોંઘવારી સામે ઉગ્ર વિરોધ પ્રદશનો થઇ રહ્યા છે ત્યારે ભરૂચ જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા પણ આજે પેટ્રોલ, ડીઝલ અને ગેસ સહિતની વસ્તુઓ પર વધતા ભાવ વધારા તેમજ મોંઘવારી સામે મોરચો માંડ્યો હતો, ભરૂચ જિલ્લા કોંગ્રેસ સમિતિના કાર્યાલયથી જિલ્લા કલેક્ટર કચેરી સુધી કોંગ્રેસના હોદ્દેદારો અને કાર્યકરોએ રેલીનું આયોજન કર્યું હતું.
રેલીમાં મોંઘવારી વિરુદ્ધ બેનરો, પોસ્ટરો કાર્યકરોએ હાથમાં પકડી મોંઘવારીની અંતિમ યાત્રા કાઢી હાથમાં તેલના ડબ્બા સહિતની વસ્તુઓ પકડી મોદી સરકાર તેમજ રાજ્ય સરકાર સામે ભાવ વધારો પરત ખેંચવા સહિત મોંઘવારી અંકુશમાં લાવવા તેમજ સરકારની નિષ્ફળતા સામે ઉગ્ર વિરોધ પ્રદર્શન કરી સુત્રોચ્ચાર કરવામાં આવ્યા હતા, કોંગ્રેસ કાર્યલયથી કલેક્ટર કચેરી સુધી નીકળેલ કોંગ્રેસની રેલીને પોલીસે શાલીમાર સુધી પણ ન પહોંચવા દીધી હતી, ત્યારે કોંગ્રેસના કાર્યકરો અને પોલીસ વચ્ચે એક સમયે ઉગ્ર ઘર્ષણ જેવી સ્થિતિનું સર્જન થતા પોલીસે કોંગ્રેસના ૩૦ થી વધુ કાર્યકરોની અટકાયત કરી હતી.
આ પ્રસંગે ભરૂચ જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પરિમલ સિંહ રણા, ભરૂચ શહેર કોંગ્રેસ પ્રમુખ વિક્કી શોખી, જિલ્લા યુવા કોંગ્રેસ પ્રમુખ શકીલ અકુજી, પ્રવક્તા નાજુ ફડવાલા, યુવા કોંગ્રેસ અગ્રણી શેરખાન પઠાણ, પાલીકા વિપક્ષના નેતા સમસાદ અલી સૈયદ સહિત મહિલા કોંગ્રેસ અને કોંગ્રેસનાં કાર્યકરો તેમજ હોદ્દેદારો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.
હારુન પટેલ : ભરૂચ
પેટ્રોલ, ડીઝલ અને ગેસના ભાવ વધારા સામે ભરૂચ જિલ્લા કોંગ્રેસ દ્વારા “મહંગાઈ મુક્ત ભારત અભિયાન” રેલી યોજાઇ.
Advertisement