માંગરોળ તાલુકાના આમનડેરા ગામે જિલ્લા મેજીસ્ટ્રેટના હુકમથી મામલતદારે પોલીસ બંદોબસ્ત સાથે ખોલાવેલો જુનો બળદ ગાડા વાટ ખેતરાડી રસ્તો બે ઈસમોએ દાદાગીરી કરી ફરી બંધ કરી દઈ ખેડૂતને નાલાયક ગાળો આપી એટ્રોસિટીના કેસમાં ફસાવી દેવાની અને જાનથી મારી નાંખવાની ધમકી આપતા ખેડૂતે બંને વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધાવી છે.
આમનડેરા ગામની સીમમાં ખેતીની જમીન સર્વે નંબર ૧૨૯ માંથી જુનો બળદ ગાડાવાટ રસ્તો પસાર થતો હતો આ રસ્તો જમીન માલિક ખેડૂત અરવિંદભાઈ ભંગડાભાઈ વસાવા એ છેલ્લા આઠેક વર્ષથી બંધ કરી દેતા સર્વે નંબર 128 અને 130 વાળી ખેતીની જમીન ધરાવતા રાજેન્દ્રભાઈ ખુશાલભાઈ પ્રજાપતિ, ઇસ્માઇલ આદમજી પટેલ, હરેશ ખુશાલભાઈ પ્રજાપતિ, તેમજ અન્ય ખેડૂતો અસલમ દલાલ અને ઇકબાલ દલાલ વગેરે પોતાના ખેતરોમાં ખેતીનું કામકાજ માટે જઇ શકતા ન હતા જેથી ત્રણ ખેડૂતો દ્વારા રસ્તો ખોલવા બાબતે નામદાર કોર્ટમાં દાવો દાખલ કર્યો હતો અને કેસ ચાલી જતા સદર રસ્તો ખોલવા મેજિસ્ટ્રેટ દ્વારા હુકમ કરાયો હતો જેથી ગત વર્ષે પોલીસ બંદોબસ્ત સાથે આ રસ્તો ખોલવામાં આવ્યો હતો ત્યારબાદ ફરી રસ્તો બંધ કરી દેવાતા ફરિયાદી ઓએ હુકમના અનાદર બાબતની ફરિયાદ કરતા ફરી મેજિસ્ટ્રેટ દ્વારા રસ્તો ખોલવાનો હુકમ કરવામાં આવ્યો હતો જેથી તારીખ 16/ 3/ 2022 ના રોજ પોલીસ બંદોબસ્ત સાથે માંગરોળના મામલતદારે સર્વે નંબર 129 વાળી જમીન માંથી જે.સી.બી જેવા સાધનો સાથે રસ્તો ખુલ્લો કરાવ્યો હતો પરંતુ સામા વાળા ખેડૂત અરવિંદભાઇ ભંગડાભાઇ વસાવા અને તેનો પુત્ર ધનરાજ અરવિંદ વસાવા એ 14 દિવસ પછી ખેતરે જઈ ધારિયા અને કુહાડી વડે બાવળ કાપી ખેતરમાં જવાનો રસ્તો કાંટાળી વાડ કરી બંધ કર્યો હતો આ સમયે ફરિયાદી રાજેન્દ્રભાઈ ખુશાલભાઈ પ્રજાપતિ ત્યાં સ્થળ પર પહોંચતા બંને ઇસમો એ ઉશ્કેરાઈ જઈ ના-લાયક ગાળો આપવા લાગ્યા હતા અને અમારી જમીન છે અમે રસ્તો બંધ કરી દેવાના અમને કોઈ કાયદો લાગુ પડતો નથી તેમજ અમારા વિરુદ્ધ પોલીસમાં ફરિયાદ કરી તો એટ્રોસિટી એક્ટ ના કેસમાં ફસાવી દેવાની, ટાટિયા ભાંગી નાખવાની અને જાનથી મારી નાખવાની ધમકી ઈસમોએ ખુલ્લેઆમ આપી હતી બંને આરોપી વિરુદ્ધ માંગરોળ પોલીસ મથકમાં રાજેન્દ્રભાઈ ખુશાલભાઈ પ્રજાપતિએ ફરિયાદ નોંધાવતા પોલીસે સ્થળ પર તપાસનો દોર શરૂ કર્યો હતો.
વિનોદ મૈસૂરિયા : વાંકલ