ભરૂચ અને નર્મદા જિલ્લાના BJP પ્રમુખોએ ગાંધીનગરમાં પ્રદેશ અધ્યક્ષ CR પાટીલની ઉપસ્થિતિમાં બન્ને જિલ્લાના 5302 કુપોષિત બાળકોને દત્તક લીધા છે. આ સૌપ્રથમ પેહલ સાથે સી.આર.પાટીલના હસ્તે કુપોષણ દૂર કરવાની ઝુંબેશ હાથ ધરી છે.
ભરૂચ ભાજપ પ્રમુખ મારૂતિસિંહ અટોદરિયા અને નર્મદા પ્રમુખ ઘનશ્યામ પટેલે રાજ્યમાં નવી પહેલ કરી છે. ગાંધીનગરમાં BJP પ્રદેશ પ્રમુખ CR પાટીલની ઉપસ્થિતિમાં બન્ને જિલ્લા પ્રમુખે બન્ને જિલ્લાના કુપોષિત બાળકોને દત્તક લીધા છે.
CR પાટીલે ભરૂચ અને નર્મદા જિલ્લામાંથી બન્ને જિલ્લા પ્રમુખની હાજરીમાં કુપોષિત બાળકોને પોષિત કરવાના અભિયાનનો આરંભ કરાવ્યો છે. ભરૂચ જિલ્લાના 4600 અને નર્મદા જિલ્લાના 702 બાળકોને બન્ને BJP જિલ્લા પ્રમુખોએ 3 મહિના માટે દત્તક લીધા છે. જેઓને રોજ 200 ગ્રામ દૂધ અને પૌષ્ટિક આહાર આપવામાં આવશે. રોજનું 200 ગ્રામ દૂધ એટલે 5302 બાળકોને મહિને 1060 લીટર અને 90 દિવસમાં 95, 400 લીટર દૂધ અપાશે. ભાજપ દ્વારા રાજ્યમાં અન્ય કાર્યકરો, આગેવાનો દ્વારા પણ કુપોષિત બાળકોને દત્તક લઈ રાજ્યમાંથી કુપોષણને નાથવાનો પ્રયાસ હાથ ધરાયો છે.