ગુજરાત રાજ્ય આંગણવાડી કર્મચારી સંગઠન દ્વારા મહિલા અને બાળ વિકાસ મંત્રીને સંબોધીને ઝઘડિયા મામલતદારને આવેદનપત્ર આપવામાં આવ્યુ હતું.
આવેદનપત્રમાં જણાવાયા મુજબ આંગણવાડીમાં નવી આવેલ કામગીરી સુપોષિત માતા સ્વસ્થ યોજનાથી તેની અસર રોજિંદી કામગીરી ઉપર પડતી હોઇ, તેનો સરકાર કક્ષાએ નિર્ણય લેવા જણાવાયું હતું. વધુમાં જણાવાયું છે કે ગુજરાતની હાલ પચાસ હજાર જેટલા આંગણવાડી કેન્દ્રોમાં આઇસીડીએસ યોજનામાં રાજ્યના દરેક આંગણવાડીમાં સો ટકા સગર્ભા / ધાત્રી કિશોરી અને ઝીરોથી છ વર્ષના બાળકો લાભ લે છે, જેમાં હાલ સરકારના પરિપત્ર મુજબ દરેક લાભાર્થીની ઓનલાઈન એન્ટ્રી યોજના માટે કરાવવામાં આવી રહી છે, જેમાં ઘણા લાભાર્થી પાસે આધાર કાર્ડ નથી, રેશનકાર્ડમાં માતાના નામ નથી, આધાર કાર્ડ રેશન કાર્ડ સાથે લિંક નથી, રેશનકાર્ડ નોન એનએસએફએ કરેલા નથી. મમતા આઈ.ડી નંબર ખોટા હોવા જેવા પ્રશ્નો જે તાત્કાલિક ધોરણે નિકાલ થાય એવા જ નથી જેને કારણે તકલીફો પડે છે. ઉપરાંત રજાઓ પણ રદ કરવામાં આવી છે, છેલ્લા પંદર દિવસથી આંગણવાડી કે આંગણવાડીના બાળકો પ્રત્યે કોઈ જ ધ્યાન અાપી શકાતું નથી. સવારે ૯ થી રાત્રે ૯ સુધી સીડીપીઓ મુખ્ય સેવિકા અને આંગણવાડી વર્કરો પાસે ફરજિયાત આ કામગીરી લેવામાં આવી રહી છે અને તેનું નુકસાન બાળકોને તથા આઇસીડીએસ યોજનાને થઈ રહ્યું છે, જેથી તેમણે માંગણી કરી છે કે આ તમામ કામગીરી આડેધડ લેવામાં ન આવે, તેનો ચોક્કસ સમય નક્કી કરવામાં આવે અને હાલ લાભાર્થીની સુપોષિત માતા સ્વસ્થ બાળની એન્ટ્રી મોબાઈલથી ન કરાવતા સો ટકા લાભાર્થીને લાભ મળી રહે અને લાભથી વંચિત ન રહે તે માટે રજીસ્ટર નોંધણી પર જ લાભ આપવામાં આવે, નહીં તો પચાસ ટકા લાભાર્થીને જ લાભ મળવા પાત્ર રહેશે, રોજીંદી સેવાઓને જે ગંભીર અસર પહોંચી રહી છે જે ધ્યાને લેવું જોઇએ તેમ જણાવ્યું હતું.
ગુલામહુશેન ખત્રી રાજપારડી જિ.ભરૂચ