આજરોજ ધો.૧૦ અને ૧૨ ની પરિક્ષા શરુ થતાં ઝઘડીયા તાલુકાના પરિક્ષા કેન્દ્રો ખાતે શાંતિપૂર્ણ માહોલ વચ્ચે બોર્ડ પરિક્ષાનો પ્રારંભ થયો છે.ઝઘડીયા તાલુકામાં ઝઘડીયા રાજપારડી અને દરિયા એમ ત્રણ સ્થળોએ ધો.૧૦ ની પરિક્ષા માટેના કેન્દ્રો આવેલ છે. કોરોના કાળ દરમિયાન વિધ્યાર્થીઓને અપાયેલ માસ પ્રમોશન બાદ હાલમાં પરિક્ષાનો આરંભ થયો છે.
સામાન્યરીતે ઝઘડીયા કેન્દ્ર ખાતે દિવાન ધનજીશા હાઇસ્કુલ તેમજ સેન્ટ ઝેવિયર્સ હાઇસ્કુલ ખાતે એસએસસી બોર્ડની પરિક્ષા લેવાતી હોય છે. આજરોજ શરુ થયેલ ધો.૧૦ ની પરિક્ષા માટે દિવાન ધનજીશા હાઇસ્કુલ ખાતે કુલ બે યુનિટના ૩૦ બ્લોકમાં ૯૦૦ જેટલા વિધ્યાર્થીઓ પોતાના વિધ્યાર્થી જીવનની કારકિર્દીની શરુઆતના રુપે લેવાતી ધો.૧૦ ની બોર્ડ પરિક્ષા આપી રહ્યા છે. ઝઘડીયા કેન્દ્રમાં ઝઘડીયા, ગોવાલી, કપલસાડી, કરારની હાઇસ્કુલોને સમાવી લેવાઇ છે. રાજપારડી કેન્દ્ર ખાતે ડી.પી.શાહ હાઇસ્કુલ તેમજ પાણિની પ્રજ્ઞા પરબ શાળા ખાતે ધો.૧૦ ની પરિક્ષા લેવાતી હોય છે. ડી.પી.શાહ વિધ્યામંદિર હાઇસ્કુલ ખાતે ૨ યુનિટમાં કુલ ૨૯ બ્લોક બનાવાયા છે, જેમા અંદાજે કુલ ૮૭૦ જેટલા વિધ્યાર્થીઓ ધો.૧૦ ની પરિક્ષા આપી રહ્યા છે.
રાજપારડી કેન્દ્રમાં રાજપારડીની શાળાઓ ઉપરાંત ભાલોદ, પાણેથા, ઉમલ્લા, અવિધા જેવા ગામોની શાળાઓના વિધ્યાર્થીઓ ધો.૧૦ ની પરિક્ષા આપે છે. જ્યારે ઝઘડીયા તાલુકાના દરિયા પરિક્ષા કેન્દ્ર ખાતે ૧ યુનિટમાં કુલ ૧૩ બ્લોકમાં ૩૩૦ જેટલા વિધ્યાર્થીઓ ધો.૧૦ ની પરિક્ષા આપી રહ્યા છે. દરિયા કેન્દ્ર ખાતે દરિયા, તલોદરા, ધારોલી, ઉમરખાડા, વણખુંટા તેમજ આમલઝર શાળાઓના વિધ્યાર્થીઓ ધો.૧૦ ની પરિક્ષા આપી રહ્યા છે. ઝઘડીયા તાલુકામાં ધો.૧૨ સામાન્ય પ્રવાહનું પરિક્ષા કેન્દ્ર ફક્ત ઝઘડીયા ખાતે ફળવાયેલું છે. ઝઘડીયા તાલુકામાં આજે શાંતિપૂર્ણ માહોલ વચ્ચે બોર્ડ પરિક્ષાનો પ્રારંભ થયો હતો. પરિક્ષા શરુ થવાના સમય પહેલા પરિક્ષા કેન્દ્રો ખાતે વિધ્યાર્થીઓની ભીડ જોવા મળી હતી. પરિક્ષા આપનારા વિધ્યાર્થીઓને તેમના વાલિઓ અને શુભેચ્છકો દ્વારા પરિક્ષાને લગતી શુભેચ્છાઓ પાઠવવામાં આવી હતી. જ્યારે પરિક્ષા કેન્દ્રો ખાતે વિધ્યાર્થીઓને મોં મીઠુ કરાવીને પ્રવેશ આપવામાં આવ્યો હતો. પરિક્ષા કેન્દ્ર ખાતે પરિક્ષા ખંડોને સીસી ટીવી કેમેરાથી સજ્જ બનાવાયા હતા. ઉપરાંત પોલીસ બંદોબસ્ત, આરોગ્યને લગતી સેવા ઉપરાંત વીજ પુરવઠો જળવાયેલો રહે તે માટે વીજ વિભાગના કર્મચારીઓની સેવાઓ પરિક્ષા કેન્દ્રો ખાતે ઉપલબ્ધ બનાવવામાં આવી છે. ધો.૧૦ ની પરિક્ષાના પ્રથમ દિવસે માતૃભાષા ગુજરાતીના પેપરથી પરિક્ષાનો પ્રારંભ થયો હતો. ગુજરાતીનું પ્રશ્નપત્ર પ્રમાણમાં સહેલું હોવાની લાગણી સાથે વિધ્યાર્થીઓમાં ખુશી જણાઇ હતી. પરિક્ષાના પ્રથમ દિવસે તાલુકાના બધા પરિક્ષા કેન્દ્રો ખાતે શાંતિમય માહોલ વચ્ચે બોર્ડની પરિક્ષાનો પ્રારંભ થયો હતો.
ગુલામહુશેન ખત્રી રાજપારડી જિ.ભરૂચ