ભરૂચ જિલ્લાના ઝઘડીયા તાલુકાના અશા ગામની સીમમાં પાંચ ખેતરોમાંથી કુવા પરની મોટરો પરના વાયરોની ચોરી થઇ હોવા બાબતે ઉમલ્લા પોલીસ મથકે ફરિયાદ લખાવા પામી છે.
ઉમલ્લા પોલીસમાંથી મળતી વિગતો મુજબ અશા ગામના ખેડૂત પ્રદિપસિંહ છત્રસિંહ ઘરિયાનું એક ખેતર ગામની સીમના વડિયા વગામાં આવેલું છે. ગતરોજ તેઓ કેળનું વાવેતર કરેલ આ ખેતરે આંટો મારવા ગયા ત્યારે ખેતરના બોરવેલ નજીક આવતા બોરવેલ પરની મોટરનો ૫ મીટર જેટલો કેબલ કોઇ ચોરીને લઇ ગયુ હોવાનું જણાયું હતું. આજુબાજુમાં શોધવા છતા કેબલ મળ્યો નહતો, જેથી તેની ચોરી થઇ હોવાની ખાતરી થઇ હતી. ત્યારબાદ અન્ય ખેતરોમાંથી પણ વાયરોની ચોરી થઇ હોવાનું જાણવા મળ્યું હતું. અન્ય ખેડૂતો ધર્મેન્દ્રસિંહ, દેવેન્દ્રસિંહ, ચિરાગભાઇ તેમજ વિરેન્દ્રસિંહના ખેતરોમાંથી પણ પાણીની મોટરોના વાયરો ચોરાયા હોવાની જાણ થઇ હતી. આ પાંચ ખેતરોમાંથી કુલ રૂ.૧૪૦૦૦ ની કિંમતના ૬૫ મીટર જેટલા કેબલની ચોરી થવા પામી હતી. આ ખેતરોમાંથી રાત્રી દરમિયાન કોઇ અજાણ્યા તસ્કરો કેબલ કાપીને ચોરી ગયા હોઇ, પ્રદિપસિંહ ઘરિયા રહે.અશા તા.ઝઘડીયાનાએ ઉમલ્લા પોલીસમાં ફરિયાદ લખાવતા પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી. હાલ ઉનાળો શરુ થયો છે, ત્યારે ખેતરોમાં ઉનાળુ પાકને પાણીની જરુર પડતી હોય છે. તેવા સંજોગોમાં ઝઘડીયા તાલુકામાં હાલ ફરીથી સીમચોરો સક્રિય બનતા ખેડૂતોમાં ચિંતા ફેલાવા પામી છે.
ગુલામહુશેન ખત્રી રાજપારડી જિ.ભરૂચ