છોટાઉદેપુર જિલ્લાના પાવીજેતપુર તાલુકાના કોસુમ ગામે સીમમાં મહુડા વિણવા ગયેલ ઇસમને અન્ય એક ઇસમે ઝઘડો કરી કુહાડીથી હુમલો કર્યો હોવાની ઘટના બનવા પામી છે.
આ અંગે કરાલી પોલીસ સ્ટેશનમાંથી મળતી વિગતો મુજબ પાવીજેતપુર તાલુકાના કોસુમ ગામે રહેતા પારસીંગભાઇ શલિયાભાઇ રાઠવા ગતરોજ તા.૨૫ મીના રોજ સવારના સાડા દસના અરસામાં તેમની પૌત્રી તેમજ ફળિયાની એક અન્ય છોકરી સાથે કોસુમ ગામની સીમમાં જંગલ ખાતાના મહુડા વિણવા ગયા હતા. તે દરમિયાન રમેશભાઈ નંદુભાઇ રાઠવા તેમજ તેમની માતા નેવલીબેન નંદુભાઇ રાઠવા બન્ને રહે.બોરધા ક્વાટર ફળિયું તા.પાવીજેતપુરના ત્યાં આવ્યા હતા. આ લોકોએ પારસીંગભાઇ સાથે અહિયાં કેમ મહુડા વિણો છો અમારે વિણવાના છે, એમ કહીને ઝઘડો કર્યો હતો. પારસીંગભાઇએ ઝઘડો કરવાની ના પાડતા રમેશે તેના હાથમાંની કુહાડીનો હાથો પારસીંગભાઇને પગના સાથળ ઉપર માર્યો હતો. તે દરમિયાન નેવલીબેને પારસીંગના બન્ને હાથ પકડી રાખ્યા હતા. રમેશે કુહાડી પારસીંગભાઇના માથાના ભાગે મારતા પારસીંગભાઇએ પોતાના હાથ છોડાવીને કુહાડી પકડવા જતા તેમને ડાબા હાથની આંગળી પર કુહાડી વાગી ગયેલ, અને લોહી નીકળતા તેમની સાથેની બન્ને છોકરીઓ ગભરાઇને નાશી ગઇ હતી. ત્યારબાદ રમેશભાઇ અને તેની માતા બોરધા તરફ નાશી ગયા હતા. આ લોકોએ જતાં જતાં ફરીથી મહુડા વિણવા આવીશ તો જાનથી મારી નાંખવાની ધમકી આપી હતી. ઇજાગ્રસ્ત પારસીંગભાઇને કલારાણી ખાતે પ્રાથમિક સારવાર અપાયા બાદ વધુ સારવાર માટે બોડેલી લઇ જવાયા હતા. પોતાને ગાળો બોલીને કુહાડીથી ઇજા પહોંચાડીને જાનથી મારી નાંખવાની ધમકી અપાતા પારસીંગભાઇ રાઠવા રહે.કોસુમ તા.પાવીજેતપુરનાએ રમેશભાઇ નંદુભાઇ રાઠવા તેમજ નેવલીબેન નંદુભાઇ રાઠવા બન્ને રહે.ગામ બોરધા તા.પાવીજેતપુર જિ.છોટાઉદેપુરના વિરુધ્ધ કરાલી પોલીસમાં ફરિયાદ લખાવતા પોલીસે ગુનો નોંધી કાયદેસર તપાસ હાથ ધરી હતી.
ફૈજાન ખત્રી કલારાણી જિ.છોટાઉદેપુર