છોટાઉદેપુર જિલ્લાના ખેડૂતોમાં ખેતીવિષયક વીજ પુરવઠો પુરા આઠ કલાક જેટલા રોજિંદા સમય માટે આપવામાં આવે તેવી માંગ ઉઠવા પામી છે. મળતી વિગતો મુજબ હાલ ખેતીવિષયક વીજળી છ કલાક જેટલા સમય માટે અપાય છે. ઉનાળો શરુ થઇ ગયો છે, ત્યારે સ્વાભાવિક છે કે ઉનાળુ પાકોને પાણીની વ્યાપક પ્રમાણમા જરૂર પડતી હોય છે.
ઉલ્લેખનીય છે કે જિલ્લાના વિવિધ વિસ્તારોમાં ચોમાસુ ખેતી ઉપરાંત શિયાળુ તેમજ ઉનાળુ ખેતીના પણ કેટલાક પાકો ખેડૂતો દ્વારા લેવાતા હોય છે. ખેડૂતોમાં ચર્ચાતી વાતો અનુસાર વીજ કંપની દ્વારા હાલ છ કલાક જેટલા સમય માટે ખેતીવિષયક વીજ પુરવઠો અપાય છે, જે સમગ્ર ખેતીની પાણીની જરુરને પહોંચી વળવા સક્ષમ ગણી શકાય તેમ નથી. ઘણા બધા નાના ખેડૂતોના ખેતરોમાં સિંચાઇ માટે બોરવેલની વ્યવસ્થા નથી હોતી. આ ખેડૂતો પોતાના ખેતરો માટે બાજુના ખેતરોના બોરમાંથી પાણી મેળવતા હોય છે, આ સંજોગોમાં કુવાની સુવિધા ધરાવતા ખેડૂતો છ કલાકની વીજળીમાં પોતાના ખેતરોને પણ યોગ્ય માત્રામાં પાણી નથી આપી શકતા ત્યારે પાણી માટે અન્ય ખેડૂતો પર નિર્ભર નાના ખેડૂતો માટે પણ તકલીફો સર્જાતી હોવાની વિગતો સામે આવી છે. હાલ ઉનાળો શરુ થયો છે ત્યારે વીજ કંપની ખેતરો માટે પુરા આઠ કલાક જેટલા સમય માટે વીજ પુરવઠો આપે તો સમગ્ર ખેતીની પાણીની જરુર સંતોષી શકાય તેવી માંગ ખેડૂતોમાં ઉઠવા પામી છે. ત્યારે વીજ કંપની તાકીદે ખેડૂતોના વિશાળ હીતમાં આ બાબતે ઘટતા પગલા લે તે ઇચ્છનીય છે.
ફૈજાન ખત્રી, કલારાણી જિ.છોટાઉદેપુર