વડોદરા જિલ્લાના કરજણ તાલુકાના પાછીયાપુરા ખાતે દેશના બંધારણના ઘડવૈયા ડૉ. બાબા સાહેબ આંબેડકરની પ્રતિમાને સ્થાપિત કરવાને ત્રણ વર્ષ પૂર્ણ થતા મૂળ નિવાસી એકતા મંચ દ્વારા ઉજવણી કરાઇ હતી. કાર્યક્રમના પ્રારંભે ઉપસ્થિત બાળાઓ દ્વારા ડૉ. બાબા સાહેબ આંબેડકરની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરાઇ હતી. ત્યારબાદ દિપ પ્રાગટ્ય કરી કાર્યક્રમનો પ્રારંભ કરાયો હતો. ત્યારબાદ મૂળ નિવાસી એકતા મંચના કાર્યકર દ્વારા હાજર જનોનું શાબ્દિક સ્વાગત કરવામાં આવ્યું હતું. ત્યારબાદ પુર્વ સરપંચ પ્રવીણભાઈ પરમારે ડૉ. બાબા સાહેબ આંબેડકરની સુંદર સ્તુતિ રજુ કરી હતી.
ત્યારબાદ મૂળ નિવાસી એકતા મંચના અધ્યક્ષ મિનેષ પરમારે ડૉ. બાબા સાહેબ આંબેડકરના જીવન ચરિત્ર વિશે રસપ્રદ ગાથા વર્ણવી હતી અને ડૉ.બાબા સાહેબ આંબેડકરે અનુસરેલા પથ પર આગળ વધી સમાજના ઉત્થાન માટે કાર્ય કરવા અનુરોધ કર્યો હતો. સાંપ્રત આધુનિક યુગમાં પોતાના બાળકોને સુશિક્ષિત બનાવી સમાજના કલ્યાણ માટે તેમજ રાષ્ટ્રના નિર્માણમાં સહભાગી બનાવવા ખાસ અનુરોધ કર્યો હતો. અંતમાં હાજર મૂળ નિવાસી એકતા મંચની મહિલા કાર્યકરોને ડૉ. બાબા સાહેબ આંબેડકરની છબી સ્મૃતિરૂપે ભેટ અપાઈ હતી.
ત્યારબાદ સામુહિક ભોજન સાથે કાર્યક્રમનું સમાપન કરાયું હતું. આયોજિત કાર્યક્રમમાં મોટી સંખ્યામાં મૂળ નિવાસી એકતા મંચના કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા.
યાકુબ પટેલ, કરજણ
કરજણના પાછીયાપુરા ખાતે ડૉ. બાબા સાહેબ આંબેડકરની પ્રતિમાને ૩ વર્ષ પૂર્ણ થતા મૂળ નિવાસી એકતા મંચ દ્વારા ઉજવણી કરાઇ.
Advertisement