ભરૂચ નગરપાલિકા ખાતે આજે સવારે બજેટલક્ષી સામાન્ય સભા મળી હતી, જેમાં કરોડોના વિકાસના કાર્યો રજૂ કરવામાં આવ્યા હતા, સત્તા પક્ષ અને વિપક્ષ વચ્ચે સભામાં ચકમક જેવા દ્રશ્યો પણ સર્જાયા હતા તે તમામ બાબતો લોકો વચ્ચે ચર્ચાનું કેન્દ્ર બની હતી..!!
જોકે આ તમામ વચ્ચે પાલિકા કચેરીમાં થયેલ ખર્ચની વિગતો પણ સભ્યો વચ્ચે મુકવામાં આવી હતી, સાથે જ પાલિકાના કર્મીઓનો પગાર વધારો જેવી બાબતો પણ ૧૦ જેટલા એજન્ડામાં આવરી લેવાઈ હતી, જેમાં વહીવટી શાખા, એકાઉન્ટ શાખા, કોમ્પ્યુટર શાખા, મહેકમ શાખા, સ્ટોર શાખાના કામો સભામાં મુકવામાં આવ્યા હતા.
જેમાં સ્ટોર વિભાગમાં આવેલ ભરૂચ નગરપાલિકા સેનેટરી શાખાની ડમ્પીંગ સાઇટ પર માખીનો ઉપદ્રવ મોટા પ્રમાણમાં થતો હોય તેનો નાશ કરવા માટે કીટ નાશક દવાની તાત્કાલિક જરૂરિયાત હોવાથી રૂપિયા ૩૪,૦૦૦ ના ખર્ચે દવાઓ મંગાવવામાં આવી છે, મહત્વની બાબત છે કે ડમ્પીંગ સાઇટ પર સામાન્ય રીતે માખીઓ અને જીવ જંતુઓનો ઉપદ્રવ બારે માસ જોવા મળતો હોય છે તેવામાં તેઓનો કાયમી ઉકેલ લાવવા માટે પાલિકાએ કોઈ શોર્ટકર્ટ ઉપાય શોધી તેનું નિરાકરણ લાવવામાં આવે તો કદાચ આટલો મોટો ખર્ચ બચી પણ શકે છે.
ભરૂચ નગરપાલિકા પાસે મચ્છર ભગાડવાના સાધનો છે, જીવાત દૂર કરવા ડી.ટી.પી પાવડર જેવા ઉપાય છે, ત્યારે બારે માસ ડમ્પીંગ સાઇટ પર માખીઓમાંથી છુટકારો મેળવવા હવે મંથન કરી આ ઉપાય કરવામાં આવે તો પ્રજાના પૈસાની બચત અને વિકાસના કાર્યોમાં પાલીકાને રાહત મળે તેવી બાબત આજે ચર્ચામાં આવેલ રૂપિયા ૩૪,૦૦૦ ની માખીઓના ઝુંડ ભગાડવાની દવાની બાબત ઉપરથી કહી શકાય તેમ છે.
હારુન પટેલ : ભરૂચ