માંગરોળ તાલુકાનાં વાંકલ ખાતે કાર્યરત સરકારી વિજ્ઞાન કોલેજમાં એમ.એસ.સીના પ્રાણીશાસ્ત્ર વિભાગના વિધાર્થીઓને યુનિવર્સિટીએ ઓછા માર્ક્સ આપ્યા હોવાનો આક્ષેપ કરવામાં આવ્યા હતાં.
વાંકલ સરકારી વિજ્ઞાન કોલેજમાં વર્ષ ૨૦૨૧-૨૨ દરમિયાન એમ.એસ.સી પ્રાણીશાસ્ત્રના વિભાગને માન્યતા અપાઈ હતી.ચાલુ વર્ષે એમ.એસ.સી પ્રાણીશાસ્ત્ર વિભાગમાં અભ્યાસ કરતાં વિધાર્થીઓને વાંકલ કોલેજમાં માળખાગત સુવિધા હોવા તેમજ નિયમોનુસાર એક બેચના વિધાર્થીઓ હોવા છતાં અન્ય કોલેજ ખાતે પ્રેક્ટિકલની પરીક્ષાનું કેન્દ્ર ફાળવવામાં આવ્યું હતું. આ કોલેજમાં તમામ વિધાર્થીઓ આદિજાતિ વિસ્તારનાં હોવાથી યુનિવર્સિટી દ્વારા પ્રેક્ટિકલ પરીક્ષાનું કેન્દ્ર દૂર ફાળવી વિદ્યાર્થીઓને બિનજરૂરી આર્થિક ભારણ આપ્યું હોવાના આક્ષેપો વિધાર્થીઓ દ્વારા કરવામાં આવી રહ્યા છે. પ્રેક્ટિકલની પરીક્ષા આપનાર દરેક વિદ્યાર્થીના થિયરીની પરીક્ષામાં સારા માર્કસ છે ત્યારે પ્રેક્ટિકલની પરીક્ષા આપનાર મોટાભાગનાં વિધાર્થીઓને તેમની ક્ષમતા અનુસાર મળવાપાત્ર માર્કસ કરતાં ઘણા ઓછા માર્કસ યુનિવર્સિટીએ આપ્યા હોવાના આક્ષેપો વિધાર્થીઓ તેમજ કોલેજના આચાર્ય દ્વારા કરવામાં આવી રહ્યા છે. જેથી સરકારી વિજ્ઞાન કોલેજના આચાર્ય ડો. પાર્થિવ ચૌધરી દ્વારા વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીના કુલપતિને પત્ર લખી રજૂઆત કરવામાં આવશે.
વાંકલ સરકારી વિજ્ઞાન કોલેજમાં એમ.એસ.સી (અનુસ્નાતક) વિભાગની માંગણી કરવામાં આવી હતી ત્યારે પણ યુનિવર્સિટી દ્વારા પી.જી કોર્સ શરૂ કરવા અંગે અનેક અટકળો ચાલી રહી હતી. વિધાર્થીઓ અને કોલેજ દ્વારા અનેક વખત રજૂઆત પછી જ્યારે પી.જી. વિભાગને શરૂ કરવા માન્યતા મળી ત્યારે આદિવાસી વિસ્તારના વિધાર્થીઓ અને વાંકલ સરકારી વિજ્ઞાન કોલેજ સાથે જ યુનિવર્સિટીનું આવું વલણ કેમ ??? તે અંગે અનેક મુદ્દાઓ લોકમુખે ચર્ચાઇ રહ્યા છે.
વિનોદ મૈસુરિયા : વાંકલ