ગુજરાતના રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે ભારત સરકારના સંસ્કૃતિ મંત્રાલય અને એમ.એસ.યુનિવર્સિટીના તત્વાધાનમાં આઝાદીના અમૃત મહોત્સવ અંતર્ગત યોજાયેલા શહીદ દિવસ સમારોહ પ્રસંગે રાષ્ટ્રની સ્વતંત્રતા માટે સર્વસ્વ ન્યોછાવર કરનારા વીર શહીદોને શ્રદ્ધાંજલિ પાઠવી હતી. રાજ્યપાલએ જણાવ્યું હતું કે, ક્રાંતિવીરોએ દેશની આઝાદી માટે પોતાના પ્રાણ ન્યોછાવર કરી અંગ્રેજોની ગુલામીમાંથી દેશને મુક્તિ અપાવી હતી. તેમણે જણાવ્યું કે, રાષ્ટ્ર સર્વોપરીના કર્મમંત્ર સાથે આત્મનિર્ભર ભારતના નિર્માણ માટે સૌ સંકલ્પબદ્ધ થઇએ એ જ વીર શહીદોને સાચી શ્રદ્ધાંજલિ છે. તેમણે ઉમેર્યું કે, ભારત દેશ સ્વતંત્રતાના ૭૫ વર્ષ નિમિત્તે આઝાદીનો અમૃત મહોત્સવ મનાવી રહ્યો છે. પ્રધાનમંત્રી નરેન્દ્રભાઇ મોદીએ રાષ્ટ્રના ક્રાંતિવીરો પ્રત્યે કૃતજ્ઞતા વ્યક્ત કરવાના સંકલ્પ સાથે આઝાદીના અમૃત મહોત્સવના જન અભિયાન દ્વારા યુવા પેઢી અને સમાજને નવજાગરણ માટે પ્રેરિત કર્યા છે.
રાજ્યપાલએ એમ પણ કહ્યું કે, જે રાષ્ટ્ર પોતાન ઇતિહાસ પુરુષો અને ક્રાંતિવીરોને ભૂલી જાય છે, તે રાષ્ટ્ર ઇતિહાસના પાના પરથી ભૂંસાઇ જાય છે. શહીદ ક્રાંતિવીરોએ સર્વસ્વનો ત્યાગ કરી સ્વતંત્રતાને જ જીવનનું લક્ષ્ય બનાવ્યું હતું અને દેશની અસ્મિતા-ગૌરવને સ્થાપિત કરવા શહીદ થયા હતા. સરદાર ભગતસિંહ, સુખદેવ, રાજગુરુ ત્રણેય ક્રાંતિવીરોને આજના દિને ફાંસી અપાઇ હતી. તેના સ્મરણમાં આજનો દિવસ શહીદ દિવસ તરીકે મનાવવામાં આવે છે. તેમણે મહર્ષિ અરવિંદની ૧૫૦ મી જન્મ જયંતી અવસરે તેમને મહાન દાર્શનિક, ભારતીય સંસ્કૃતિના ઉપાસક અને સ્વાતંત્ર્યવીર ગણાવી તેમના પ્રદાનને મહાત્વપૂર્ણ ગણાવ્યું હતું.
આ પ્રસંગે તેમણે જણાવ્યું કે, ગુજરાતની ધરતી ઉપર જન્મ લેનાર મહર્ષિ દયાનંદ સરસ્વતીએ તેમના અમરગ્રંથ સત્યાર્થ પ્રકાશમાં સ્વરાજ માટેનો ઉપદેશ આપ્યો હતો અને તેમની પ્રેરણાથી લાલા લજપતરાય, સરદાર ભગતસિંહ, ચંદ્રશેખર આઝાદ અને શ્યામજી કૃષ્ણ વર્મા જેવા ક્રાંતિવોરએ દેશની સ્વતંત્રતા માટે પોતાનું સર્વસ્વ બલિદાન આપ્યું હતું. આવા નામીઅનામી સ્વાતંત્ર્ય સેનાનીઓ પ્રત્યે તેમણે કૃતજ્ઞતા વ્યક્ત કરી શ્રદ્ધાંજલિ પાઠવી હતી અને આવા ક્રાંતિવીરોના સપનાના ભારતના નિર્માણ માટે સૌ પ્રતિબદ્ધ બને તેવો અનુરોધ તેમણે અંતે કર્યો હતો.
શિક્ષણ મંત્રી જીતુભાઇ વાઘાણીએ જણાવ્યું કે, અનેક વીરોની શહાદતના કારણે આપણને અંગ્રેજોની ગુલામીમાંથી આઝાદી મળી છે. ભારતની સ્વતંત્રતાના પાયાને આ શહીદોએ પોતાના રક્તથી સિંચન કર્યું છે. આઝાદીની વેદી પણ તેમના તપ, ત્યાગ અને સમર્પણને પરિણામે જ આપણે મુક્ત હવામાં શ્વાસ ભરી રહ્યા છીએ. તેમના આ સર્વોચ્ચ બલીદાનને આપણી પેઢી વીસરી ના જાય એ માટે વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીએ આઝાદીના અમૃત મહોત્સવ શરૂ કર્યો છે. આ અવસર દેશના શહીદોની વીરગાથાનું સ્મરણ કરવાનો છે.
આજે આપણે કંઇક થોડું પણ છોડવાનું આવે તો હજાર વખત વિચાર કરવો પડે છે, પણ દેશને આઝાદી અપાવવા માટે સ્વાતંત્રતાવીરો પોતાના પરિવાર, ઘરબારની પરવાહ કર્યા વિના અંગ્રેજોની સામે લડ્યા અને હસતા મુખે ફાંસીના માંચડે ચઢી ગયા. એમના આ ત્યાગ અને બલિદાનને કારણે દેશને આઝાદી મળી છે. હવે આપણે આ દેશની આઝાદી કાયમી રાખવાની છે. માં ભારતીને વિશ્વગુરુ બનાવવા માટે પોતાનું યોગદાન આપવાનો અવસર છે.
શિક્ષણ મંત્રીએ એમ પણ જણાવ્યું કે, આઝાદીના લડવૈયાઓની વાત માત્ર પુસ્તકોમાં રહે, લોકો સુધી તેમની વીરતાની ગાથા પહોંચે એ માટે વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીએ આઝાદીના અમૃત મહોત્સવનું આયોજન કર્યું છે. તેમણે દેશની આઝાદીના ૭૫ વર્ષના સુવર્ણ અવસર ઉપર સ્વાતંત્ર્ય વીરોને યથોચિત સન્માન આપવા માટે આ વિશેષ અભિયાન, કાર્યક્રમ છે. તેમણે યુવાનોને જીવનમૂલ્યો, નૈતિક્તા અને દેશભક્તિના ગુણો સાથે શિક્ષણ મેળવવા અનુરોધ કર્યો હતો. કુલપતિ ડો. વી. કે. શ્રીવાસ્તવે શાબ્દિક સ્વાગત કરી કાર્યક્રમની રૂપરેખા આપી હતી. આભારવિધિ કુલસચીવ ચુડાસમાએ કરી હતી. આ પ્રસંગે પર્ફોર્મિંગ આર્ટ્સ વિભાગના વિદ્યાર્થીએ રજૂ કરેલા દેશભક્તિના ગીતોથી વાતાવરણ ઊર્જાવાન બની ગયું હતું. આ માહોલ જોઇને પૂર્વ સાંસદ જયાબેન ઠક્કરે પણ દેશભક્તિના ગીતોનું ગાયન કર્યું હતું.
આ વેળાએ મેયર કેયુરભાઇ રોકડિયા, યુનિવર્સિટીના કુલાધિપતિ શુભાંગિનીદેવી રાજે ગાયકવાડ, ઉચ્ચ શિક્ષણ કમિશનર ટી. નટરાજન, મ્યુનિસિપલ કમિશનર શાલિની અગ્રવાલ, કલેક્ટર એ.બી.ગોર, અગ્રણી વિજયભાઇ શાહ ઉપસ્થિત રહ્યા હતા.