પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ ખેડા જિલ્લામાં થયેલા કામો તથા બાકી રહેતા કામો અંગેની સમીક્ષા બેઠક આજે જિલ્લા વિકાસ અધિકારીની અધ્યક્ષતામાં યોજાઈ હતી.
બેઠકમાં ખેડા જિલ્લાના કઠલાલ, કપડવંજ અને ઠાસરા તાલુકામા પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ નિર્માણાધીન આવાસો, લાભાર્થીઓની વિગત તથા બાકી રહેતા આવાસો અને લાભાન્વિત થનારા લાભાર્થીઓની વિગતવાર સમીક્ષા કરાઈ હતી. જિલ્લામાં પ્રધાનમંત્રી આવાસ યોજના અંતર્ગત બાકી રહેતા લાભાર્થીઓની સૂચિ બનાવી સમય મર્યાદામાં તેમને લાભાન્વિત કરવામાં આવે તેવું આયોજન કરવા જિલ્લા વિકાસ અધિકારી મેહુલ દવેએ સંબંધિત અધિકારીઓ, સરપંચો, તલાટીઓ અને સદસ્યોને અનુરોધ કર્યો હતો. તેમણે પ્રધાનમંત્રી આવાસ યોજના અંગેની કામગીરી તાલુકા વિકાસ અધિકારીઓ, સરપંચો, તલાટીઓ સાથે વિગતવાર કામોની સમિક્ષા કરી આ અભિયાનને જવાબદારી અને ફરજના ભાગ રૂપે નહી પરંતુ સેવાયજ્ઞના ભાગરૂપે સેવા કાર્યમાં જોડાવા કહ્યું હતું. ગત વર્ષ-૨૦૧૬ થી વર્ષ-૨૦૨૨ દરમ્યાન પૂર્ણ કરવાના લક્ષ્યાંક સામે બાકી રહેતા કામો સત્વરે હાથ પર લેવા આહવાન આપ્યું હતું.
જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામકશ્રી એલ.વી.રાણાએ સમગ્ર કામગીરીનો એહવાલ રજૂ કર્યો હતો અને આ યોજનાની નવા નિમાએલા સરપંચોને યોજનાની જાણકારી આપી હતી. આ બેઠકમાં જિલ્લા વિકાસ અધિકારી મેહૂલ દવે, જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામક એલ.વી.રાણા, તાલુકા વિકાસ અધિકારીઓ, સરપંચો, તલાટીઓ તથા જિલ્લાના સંબંધિત અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.
નરેશ ગનવાણી : નડિયાદ