માંગરોળ તાલુકા કોંગ્રેસ સમિતિના આગેવાનોએ ઉમરગામથી અંબાજી સુધીના આદિવાસી સમાજના તાપી નર્મદા રિવર લિંક સહિત વિવિધ કનડતા ૨૦ જેટલા પ્રશ્નોને વિધાન સભામાં વાચા આપવાની માંગ સાથે માંગરોળના ધારાસભ્ય ગણપતભાઈ વસાવાને એક આવેદનપત્ર સુપ્રત કર્યું હતું.
તારીખ 25 મી માર્ચના રોજ બજેટ સત્ર દરમિયાન આદિજાતિ વિભાગની માગણીઓના દિવસે પક્ષાપક્ષીથી દૂર રહી માત્ર આદિવાસી સમાજની સંસ્કૃતિ અને તેના મૂલ્યોને જીવંત રાખવા માટે ઉમરગામથી અંબાજી સુધીના આદિવાસી સમાજના પ્રશ્નોને વિધાનસભામાં વાચા આપવામાં આવે તેવી માંગણી સંદર્ભેનું એક આવેદનપત્ર માંગરોળ તાલુકા કોંગ્રેસ સમિતિના પ્રમુખ શામજીભાઇ ચૌધરી, રમણભાઈ ચૌધરી, બાબુભાઈ ચૌધરી, તાલુકા પંચાયત વિરોધ પક્ષના નેતા મોહનભાઈ કટારીયા, સુરેશભાઈ વસાવા, રૂપસિંગ ગામીત, પ્રકાશ ગામીત, ઈરફાન મકરાણી, શાહબુદ્દીન મલેક સહિતના આગેવાનોએ ધારાસભ્ય ગણપતભાઈ વસાવાના ઝંખવાવ કાર્યાલય ખાતે ઉપસ્થિત રહી ધારાસભ્યના પી.એ ગણપતભાઇ પ્રજાપતિને ઉપરોક્ત માંગણી સંદર્ભમાં આવેદનપત્ર સુપ્રત કરી જણાવ્યું કે હાલમાં ચૌદમી વિધાનસભાનું 10 મુ સત્ર ચાલી રહ્યું છે આ 10 માં સત્રમાં ગુજરાતમાં આદિવાસી સમાજની અસ્મિતા ટકાવી રાખવા માટે આદિવાસી સમાજના પ્રશ્નોને વાચા આપવા માટે ઉમરગામથી અંબાજી સુધીના આદિવાસી સમાજની સમસ્યાઓ આદિવાસી સમાજના પ્રશ્નો તેમજ ગરીબ અશિક્ષિત આદિવાસી પોતાના હક અને અધિકારોથી વંચિત છે ત્યારે આપણા વિસ્તારમાં વિવિધ પ્રોજેક્ટો જેવા કે સાપુતારા કેવડીયા કોરિડોર, લેપર્ડ સફારી પાર્ક, ઝીંક વેદાન્તા કંપની વગેરે પ્રશ્નો તેમજ રાજ્યના પૂર્વપટ્ટી વિસ્તારમાં ડેમો રસ્તાઓ બુલેટ ટ્રેન જેવા પ્રોજેક્ટથી આદિવાસી સમાજને વ્યાપક નુકસાન થઈ રહ્યું છે ત્યારે આવા અનેક પ્રશ્નો સાથે રાજ્યમાં પેસા એક્ટ 1996 મુદ્દે આદિવાસી સમાજનો અવાજ બની આ ગુજરાત આદિવાસીઓનું છે એ પ્રસ્થાપિત કરવા માટે આપના વક્તવ્યમાં આદિવાસી સમાજની અસ્મિતા બચાવવા અને ઉજાગર કરવા માટે હાકલ કરી સમાજને બચાવો તેવી અમે માંગણી કરી એ છે જેથી આવનારા સમયમાં આદિવાસી સમાજનું ભવિષ્ય ઊજળું બનશે અને આપ જો આપની ફરજમાંથી ચૂકશો તો આદિવાસીઓનું ભાવિ જોખમમાં મુકાશે આદિવાસી સમાજના સારા કામ કરી આપણા સૌના નામ સુવર્ણ અક્ષરે લખાય એ માટે આ પ્રશ્નોને વિધાનસભામાં વાચા આપશો નહીં તો આદિવાસીઓને પાછળ ધકેલવામાં આપણું નામ ઈતિહાસમાં લખાશે.
વિનોદ મૈસુરિયા : માંગરોળ