માનવને અસ્તિત્વ ટકાવવા માટે ખોરાકની આવશ્યકતા રહે છે. શાકભાજી અને ફળફળાદિ એ દરેક માણસની પ્રાથમિક જરૂરિયાત છે. જ્યારે માણસ ભોજન લેતો હોય ત્યારે તેને તે ખોરાકના સ્ત્રોત સ્થાન વિશે ભાગ્યે ખ્યાલ હોય છે. હવે વિચારવાની વાત એ છે કે જો ઘરે જ ઓછા પાણીએ, વગર જમીને માટી અને પ્રકાશના ઉપયોગ વિના ! રાસાયણિક દવા વિનાના ઓછામાં ઓછા ખર્ચે કે લગભગ વિનામૂલ્યે શાકભાજી અને ફળનું ઉત્પાદન મેળવી શકાય તો કેવું ? હા ! આ કોઇ દિવાસ્વપ્ન નથી પણ વાસ્તવિક રીતે શક્ય બન્યું છે.
વડોદરાના એક યુવાને ટેક્સટાઇલ પ્રોસેસિંગમાં સ્નાતક કર્યુ. આ અભ્યાસ પૂર્ણ કરી, ફાર્મ હાઉસ ફુડ અનલિમિટેડ નેટવર્ક સ્ટાર્ટઅપ શરૂ કર્યુ છે. વડોદરાનો આ એક યુવાન એટલે શુભમ ઉપાધ્યાય અને તેના સાથે આ સ્ટાર્ટ અપમાં જોડાયેલો મુંબઇનો તેનો મિત્ર અંકિત જાંગીડ છે. ખોરાકનો બગાડ ન થાય અને સામાન્યમાં સામાન્ય માણસ સુધી ખોરાક ખાસ કરીને શાકભાજી અને ફળફળાદિ જેવી પ્રાથમિક ચીજવસ્તુઓ પહોંચી રહે તે તેની નેમ છે. પાણીની સરળ ઉપલબ્ધિની માફક શાકભાજી અને ફળ પણ સરળતાથી મળી રહે તો કેવું તે વિચારને તેમણે વાસ્તવિક બનાવી દીધો છે.
શુભમને બાળપણથી ફુડ સિક્યોરિટી માટેના વિચારો આવતા હતા, તેના આ વિચાર સાથે તેની બાળપણની યાદો જોડાયેલ છે. તે કહે છે કે, તે શાળાએથી પ્રવાસ થયો ત્યારે તેને ખોરાકના મૂલ્ય અને મહત્વ વિશે ખ્યાલ આવી ગયો હતો. એ સમયે તેના બાળમનને ખોરાક બાબતે કંઇક જુદું કરવાની પ્રેરણા મળી હતી. માત્ર વિચાર જ નહિ પણ તે વિચારને કર્મ બનાવી નવી કેડી પણ તેણે કંડારી. મુંબઇના અભ્યાસકાળ દરમિયાન શુભમ અને અંકિતે ડબ્બાવાલા પાસેથી આશરે ૫૦ કિગ્રા જેટલો ખોરાક એકઠો કરી જરૂરિયાતમંદ સુધી પહોંચાડ્યો છે. સેવાકીય ભાવના ઉપરાંત રાષ્ટ્ર માટે કંઇ કરી છૂટવું, ભૂખમરાનું નિર્મૂલન થાય તે મુખ્ય ઉદ્દેશ્ય અને બાળપણમાં આવેલા વિચારોએ યુવાનીમાં કંઇક નવું કરવાની ધગશ સુધી લઇ ગયો.
શુભમના નાના લાગતા આ વિચારના મૂળિયા ઘણા ઉંડા છે. આથી જ તેણે મિત્ર અંકિતના સહયોગથી ફાર્મ હાઉસ પોડની રચના કરી છે. હજી સુધી જમીન પર ફાર્મ હાઉસ જોયા છે પણ ઘરમાં એક ફાર્મ હાઉસ હોય અને તે સ્વાસ્થ્યપ્રદ શાકભાજી અને ફળો પૂરાં પાડતું હોય તે જરાં જુદું અને નવી વાત છે, પણ સત્ય છે. આ ફાર્મ હાઉસ પોડ નાના, મધ્યમ અને મોટા એમ ત્રણ જુદાં-જુદાં કદમાં આ પોડ ઉપલબ્ધ છે. નાના ફાર્મ હાઉસ પોડ આશરે રૂ. ૧૦ હજાર, મધ્યમ આશરે રૂ. ૧૫ હજાર અને છ ફુટ જેટલી ઉંચાઇના ફાર્મ હાઉસ પોડ આશરે રૂ. ૨૫ હજારની કિંમતમાં મળી રહે તેવું આયોજન આ સ્ટાર્ટ અપ હેઠળ શુભમ અને અંકિતે કર્યુ છે. આ પોડ ઘરમાં આગવું સ્થાન બનાવી શકે તેવી વિશેષતા સભર છે. વિચારો અને ઇચ્છાશક્તિ સાથે સોનામાં સુગંધ ભળે તેમ કેન્દ્ર-રાજ્ય સરકારની સ્ટાર્ટ અપ ઇન્ડિયા સ્ટેન્ડ અપ ઇન્ડિયા તળે શુભમ અને અંકિતને વિવિધ સહાયનો લાભ મળ્યો છે. સરકાર ભારતના યુવાનોના નવીન વિચારોને પ્રોત્સાહિત કરવા આર્થિક, સંશોધનાત્મક અને કાયદાકીય સહિતની સહાય, માર્ગદર્શન, મદદ અને માહિતી મળી રહે તેવી પૂરતી વ્યવસ્થાઓ કરી આપે છે. આથી યુવાનોના નવા વિચારને નવી દિશા મળે અને તેને જરૂરી સહયોગ માટે સરકાર તેના પડખે હોય.
શુભમે જણાવ્યુ કે, તેને ફાર્મ હાઉસ ફુડ અનલિમિટેડ નેટવર્ક સ્ટાર્ટ અપ માટે સ્ટાર્ટ અપ ઇન્ડિયા સ્ટેન્ડ અપ ઇન્ડિયા તળે આશરે ૭૫ થી ૮૦ હજારની આર્થિક સહાય, પેટન્ટ નોંધાવવા માટે કાયદાકીય સલાહકાર, વકીલની મદદ મળી છે. આ ઉપરાંત આ ફાર્મ હાઉસ સ્ટાર્ટઅપ માટે મેન્ટર્સની નિયુક્તિ કરવામાં આવી છે. વધુમાં તેને તેના આ સ્ટાર્ટ અપના કામ માટે એમએસ યુનિવર્સિટીના ઇનક્યુબેશન બિલ્ડીંગમાં અલગથી જગ્યા પણ ફાળવવામાં આવી છે. વધુમાં તેણે કહ્યુ કે, વડોદરાની એમ એસ યુનિવર્સિટીના વનસ્પતિ શાસ્ત્ર વિભાગના ડૉ. સુઝી આલ્બર્ટ, ડૉ. ભાવના શર્મા અને ડૉ. નાગર આ યુવાનોને બિયારણ, બિયારણનું કદ, તેમાં રહેલ પોષક તત્વ સહિતની બાબતો પર સંશોધન કરી વિગતો પૂરી પાડે છે. આ ઉપરાંત જરૂર પડયે આણંદ કૃષિ યુનિવર્સિટી દ્વારા બિયારણ કે બીજ પૂરાં પાડવામાં આવે છે અને આ બિયારણ કે બીજની પસંદગી મેન્ટર્સ દ્વારા કરવામાં આવે છે. હવે જો આ સંશોધિત બિયારણ કે બીજ કોઇને ખરીદવા હોય તો તે વેબસાઇટ www.funfarmhouse.in પરથી મેળવી શકે છે. આ બીજ અન્ય સ્ત્રોતથી પણ ખરીદી શકાય છે પણ તે બીજની કે તેના થકી મળતા કોઇ ઉત્પાદનની ખાતરી મેળવી શકાતી નથી. મહત્વની વાત એ છે કે, આ ફાર્મ હાઉસ પોડ ખૂબ ઓછી વીજળીથી કાર્યરત રહે છે, આ ફાર્મ હાઉસ પોડના ઉપયોગથી મહિને રુ.૪૦ થી રુ.૧૦૦ સુધીનું વીજ બિલ આવી શકે છે. તે ઉપરાંત ફાર્મ હાઉસ પોડના ઉપયોગથી ઘરે શાકભાજી થતાં શાકભાજી માટેનો ખર્ચ બચી શકે છે. વધુમાં શાકભાજી લાવવાનો વાહન ખર્ચ ઘટે છે, જેના કારણે મહિને આશરે ૫૦૦ થી ૭૦૦ની બચત થઇ શકે છે અને રાસાયણિક દવાઓ વિનાના આરોગ્યપ્રદ શાકભાજીઓ મેળવી શકાય છે.
ફાર્મ હાઉસ પોડની મદદથી શાકભાજી લેવામાં આવતા હોય ત્યારે જુદાં-જુદાં વ્યક્તિઓના જૂથ થકી તેઓ એકબીજાને શાકભાજીની આપ-લે કરી શકશે, જેના થકી તેઓ આશરે રૂ.૧૦૦ કે તેથી વધુની રકમની આવક મેળવી શકશે. ફાર્મ હાઉસ પોડ બનાવવામાં મોટા ભાગે પ્લાસ્ટિકનો ઉપયોગ કરવામાં આવ્યો છે, જેના લીધે છોડને સમયાનુસાર પોષક તત્વો પૂરાં પાડે છે. પ્લાસ્ટિક ઉપરાંત બાંબુ અને ધાતુના ઉપયોગ થકી પણ આ પોડને બનાવી શકાય છે. ફાર્મ હાઉસ પોડ એ ફોગપોનીક્સ ટેક્નોલોજીથી કામ કરે છે, જેમાં ઉગાડવામાં આવતા બીજ કે છોડને જરૂરી પ્રકાશ મળી રહે તે માટે આ પોડમાં લાઇટીંગ પણ છોડને અનુરૂપ ગોઠવવામાં આવ્યા છે. આમ, છોડને આ ફાર્મ હાઉસ પોડમાંથી જળ, પ્રકાશ (રોશની) અને જરુરી પદાથો મળી રહે છે. ફાર્મ હાઉસ પોડમાં માટીના બદલે ફોમનો ઉપયોગ કરવામાં આવ્યો હોવાને લીધે તે છોડને ભાગ્યે કોઇ બિમારી લાગે છે. વળી છોડના ઉગ્યા બાદ આશરે ૭૦ થી ૯૦ દિવસ બાદ તે ફોમ બદલવાનું રહે છે.
આ ફાર્મ હાઉસ પોડને મોબાઇલ એપથી જોડીને છોડ વિશે માહિતી પણ મળી રહે છે. ફોગથી તે બિયારણનો ઉછેર થયા છે. વળી, શાકભાજી કે ફળને કઇ બાબતની જરૂર છે તે આ મોબાઇલ એપથી જાણી શકાશે. સામાન્ય અને કામકાજમાં વ્યસ્ત લોકોએ તેના અઠવાડિયાનો ભાગ્યે થોડો સમય અને નજીવી કાળજી અને જાળવણી સાથે આ ફાર્મ હાઉસ પોડ મીઠાં ફળ એટલે કે તાજા અને રાસાયણિક દવા વિનાના શાકભાજી, ફળ આપે છે. મહત્વની વાત એ છે કે, દૂધી, ટીંડોરા, ભીંડા જેવા વેલાવાળા શાકભાજીનું પણ આ પોડ મારફતે ઉત્પાદન મેળવી શકાય છે. દરેક ઘરમાં ઓછી જગ્યાએ રહી જતાં ફાર્મ હાઉસ પોડ થકી ફાર્મ હાઉસ એટ એવરી હોમનું સ્વપ્ન સાકાર થશે. ખૂબીની વાત એ છે કે, ફાર્મ હાઉસ પોડમાં એકદમ નાજુક છોડનું સંવર્ધન વધુ સારી રીતે થાય છે. કેસર જેવા પાક પણ આ પોડ મારફતે લઇ શકાય છે. કોઇ વ્યક્તિ ઘર છોડીને થોડાં સમય માટે પ્રવાસે હોય તો તે વીજળીના ઉપયોગ થકી પોતાની કારમાં પણ આ ફાર્મ હાઉસ પોડ લગાડી શકે છે. આથી જ આટલા વ્યવહારૂપણા અને સરળતાને લીધે આ ફાર્મ હાઉસ પોડ ગુજરાત, ભારત અને પછી આંતરરાષ્ટ્રીય સ્તરે વ્યાપ પામશે.
હાલમાં કેનેડા, યુએસ, દુબઇ અને કોરિયામાં આ ટેક્નોલોજીનો ઉપયોગ થઇ રહ્યો છે. ગુજરાતમાં નવીન બાબતોનો સ્વીકાર તરત થાય છે તેની ખુશી વ્યક્ત કરતા શુભમે ઉમેર્યુ કે, સ્થળ પર જઇ મુલાકાત લેતાં, ખેડુતો સાથે સંવાદ સાધતા તેમને પણ આ ટેકનોલોજી પસંદ આવે છે. ઓછી જગ્યા અને ઓછા પાણીની સ્થિતિ સમયે ફાર્મ હાઉસ પોડ આશીર્વાદ સમાન છે. આગામી સમયમાં શુભમ અને અંકિત વિશાળ કંપનીઓ, કેમ્પસ, મોટી ટાઉનશીપ સહિતના સ્થળો પર આ ફાર્મ હાઉસ પોડનો બખૂબી ઉપયોગ થઇ શકે તે માટે કામ કરશે. શુભમ ઉપાધ્યાયે જણાવ્યુ કે, ડૉ. વર્ગીસ કુરિયને શ્વેત ક્રાંતિ લાવી હતી. અમારે ફાર્મ હાઉસ સ્ટાર્ટ એપના માધ્યમથી છોડ ક્રાંતિ લાવવાની નેમ છે. આ ઉપરાંત ભારતમાં સ્વાસ્થ્ય પ્રત્યે જાગૃત્તિ આવે તે માટે આ ઘણું ઉપયોગી માધ્યમ નીવડે તેમ છે. હાનિકારક ખાદ્ય પદાર્થોની સામે આ પોડના ઉપયોગ થકી સરળ પદ્ધતિથી કુદરતી અને દવા વિનાના શાકભાજી અને ફળ મળી રહે છે. તેથી જ ડાલ ડાલ પર સોને કી ચિડિયા કરતી હૈ બસેરા વો ભારત દેશ હૈ મેરા એ પંક્તિ ફરી હકીકત બની રહેશે. ખાનગી વિદેશી ફુડ સ્ટોલ કે જે સ્વાસ્થ્ય માટે જોખમ ઉભું કરતો ખોરાક વેચે છે, તેના સામે ત સ્થળે નજીકમાં જ વિનામૂલ્યે ફળ અને શાકભાજી મળી રહે તેવું અલગ આયોજન પણ મારે ભવિષ્યમાં કરવું છે. સ્વસ્થ ભારતના સંકલ્પને સાકાર કરવાનો આ પણ એક ઉપાય છે.