વડોદરાના કરજણમાં મૂળ નિવાસી એકતા મંચ દ્વારા છેલ્લા બે વર્ષથી ગુજરાત સરકાર હસ્તક ચાલતી તમામ સરકારી કચેરીઓ, શૈક્ષણિક સંસ્થાઓમાં બાબાસાહેબ આંબેડકરની છબી મૂકવાની માંગ કરેલ છે. તેમ છતાં આજદિન સુધી ગુજરાત સરકાર દ્વારા બાબાસાહેબ આંબેડકરની છબી મૂકવામાં ન આવતા મિતેશ પરમાર દ્વારા કલેકટર સમક્ષ લેખિત રજૂઆત કરાઇ છે.
આ લેખિત રજૂઆતમાં જણાવ્યા અનુસાર ભારતના બંધારણના ઘડવૈયા, દેશના પ્રથમ કાયદા મંત્રી, ભારતરત્ન ડૉ.બાબા સાહેબ આંબેડકરનું નામ દેશમાં ગૌરવ પૂર્વક લેવામાં આવે છે. આથી મૂળ નિવાસી એકતા મંચ દ્વારા માંગ છે કે ગુજરાત રાજ્ય સરકાર દ્વારા ચાલતી તમામ કચેરીઓ, શૈક્ષણિક સંસ્થાઓમાં બાબાસાહેબ છબી મૂકવામાં આવે. આજે 39 મહિના થયા તેમ છતાં રાજ્ય સરકાર દ્વારા આંખ આડા કાન કરી સરકારના પેટનું પાણી પણ હાલતું નથી. સરકારની ભેદભાવ ભરી નીતિ અહીં સ્પષ્ટપણે દેખાય છે. જો આગામી સમયમાં તા.14/4/2022 ના રોજ બાબા સાહેબની 131 મી જન્મજયંતી છે ત્યાં સુધીમાં ગુજરાત સરકાર દ્વારા હકારાત્મક નિર્ણય લેવામાં નહીં આવે તો મૂળ નિવાસી એકતા મંચ દ્વારા જલદ આંદોલનની ચીમકી આપવામાં આવી છે.