ભરૂચના પશ્ચિમ વિસ્તારમાં વેજલપુર નજીક આવેલ કુંભારયા ઢોળાવ વિસ્તારમાંથી એક દુઃખદ ઘટના સામે આવી હતી જ્યાં વહેલી સવારે અચાનક એક જર્જરિત મકાન ધરાસાઈ થતા નિંદ્રામાં રહેલ એક જ પરિવારના ત્રણ જેટલા બાળકોના મોત થયા હતા જ્યારે માતા, પિતાને ઇજાઓ પહોંચતા તેઓને સારવાર અર્થે ભરૂચની સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા છે અચાનક બનેલ ઘટનાના પગલે વિસ્તારના ભારે ગમગીની છવાઈ હતી.
ઘટનામાં સોલંકી પરિવારના પ્રિન્સ કિશોરભાઈ ગુજ્જર ઉ.વ ૧૪, અંજના કિશોરભાઈ ગુજ્જર ઉ.વ ૨૨ તેમજ નિશાબેન કિશોરભાઈ ગુજ્જર ઉ.વ ૧૦ નું ગંભીર ઇજાઓના પગલે મોત નિપજ્યું હતું, તેમજ પિતા કિશોરભાઈ ગુજ્જરને નાની મોટી ઇજાઓ પહોંચતા તેઓને સારવાર અર્થે ખસેડવામાં આવ્યા છે, ઘટના અંગેની જાણ ભરૂચ નગર પાલિકાના ફાયર વિભાગમાં કરવામાં આવતા ફાયરના લાશકરોએ સ્થળ પર દોડી જઈ મકાનના કાટમાળને હટાવવવાની કામગીરી હાથધરી હતી, તો બીજી તરફ મામલા અંગે ભરૂચ શહેર બી ડિવિઝન પોલીસમાં જાણ થતાં પોલીસે સ્થળ પર દોડી જઈ ઘટના અંગેની જાણકારી મેળવી મૃતકોને ભરૂચ સિવિલ ખાતે પોસ્ટમોર્ટમ અર્થે ખસેડી કાયદેસરની કાર્યવાહી હાથધરી છે.
મહત્વની બાબત છે કે દર વર્ષે ભરૂચ નગરપાલિકા દ્વારા શહેરમાં આવેલ જર્જરિત મકાનો ઉતારી લેવા માટે નોટિસો ઈશ્યુ કરવામાં આવતી હોય છે, પરંતુ એ કામગીરી માત્ર કાગળ પર હોય તેમ ભરૂચમાં અવારનવાર મકાનો ધરાસાઈ થવાની દુર્ઘટનાઓ ઉપરથી કહી શકાય તેમ છે, પાલિકાનું તંત્ર નોટિસો ઈશ્યુ કર્યા બાદ સર્વે કામગીરી કરી તમામ આ પ્રકારના મકાનોને તાત્કાલિક રીપેરીંગ અથવા ઉતારી લેવાની કામગીરી હાથ ધરી હોત તો કદાચ આ પ્રકારની દુર્ઘટનાઓ શહેરમાં થતી અટકી શકે તેમ છે.
હારુન પટેલ : ભરુચ