બનાવ અંગેની પ્રાપ્ત માહિતી અનુસાર અંકલેશ્વર ગડખોલ ગ્રામ પંચાયતના સભ્ય અને ખાનગી કંપનીમાં સુપરવાઈઝર તરીકે ફરજ બજાવતા જીગ્નેશ બેચરભાઈ પટેલ નાઓ ગત રોજ પોતાનું કામ પતાવી ઘર તરફ ફરી તેઓની કાર નંબર GJ.16.CH 4829 લઈ ને જઈ રહ્યા હતા દરમિયાન પી.આઈ કંપનીના ગેટ પાસે નંબર પ્લેટ વગરની એક ફોર વ્હીલ કારે તેઓની કારની આગળ આવી ઉભી કરી દઈ તેઓને રોક્યા હતા.
બાદમાં અજાણ્યા ચાર જેટલા ઈસમોએ જીગ્નેશ પટેલ કંઈ સમજે પહેલા જ ગ્રામ પંચાયતમાં અમારા માણસો વિરુદ્ધ અરજીઓ કેમ કર્યા કરે છે તેમ કહી પાવડા સહિતના મારક હથિયાર સાથે તેઓ ઉપર હુમલો કર્યો હતો અને બાદમાં તેઓને નજીકમાં આવેલ ગટર પાસે ફેંકી દેતા જીગ્નેશ પટેલને ગંભીર ઇજાઓ પહોંચી હતી, જે બાદ તેઓએ પોતાના સ્વજનોને જાણ કરતા તેઓને સારવાર અર્થે અંકલેશ્વરની જયાબેન મોદી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.
મામલા અંગે જીગ્નેશ ભાઈ પટેલે અંકલેશ્વર રૂરલ પોલીસમાં જાણ કરતા પોલીસે જીગ્નેશ ભાઈની ફરિયાદના આધારે અજાણ્યા ચાર જેટલા ઈસમો સામે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથધરી છે.
મહત્વની બાબત છે કે ગડખોલ ગ્રામ પંચાયતના સભ્ય જીગ્નેશ ભાઈ પટેલે સરપંચ અને તલાટી પાસે કાયદાકીય રીતે રોજમેળ તથા ઠરાવની કોપી અને ગૌચરની જગ્યાની માહિતી માંગી હતી, જે જાન્યુઆરી મહિનામાં પંચાયતે ૨૦ લાખના ખર્ચે બનાવેલ હતું, અને ડી.ડી ઓને રજૂઆત કરતા રોહન ખુશાલ પટેલ તરફથી જાનથી મારવાની ધમકીઓ આપવામાં આવી હતી જે અંગે અંકલેશ્વર સીટી પોલીસ મથકે અરજી પણ આપી હતી, તેમજ ભરત સાઠીયાનાઓએ પણ જાનથી મારવાની ધમકીઓ આપી હતી જેથી આ ચાર અજાણ્યા ઈસમોએ તેઓને માર માર્યો હોવાનો આક્ષેપ પોતાની ફરિયાદમાં જીગ્નેશ પટેલે કર્યો છે.