ફાગણ સુદ પૂનમ એટલે સમગ્ર ગુજરાતમાં ઠેરઠેર હોલીકા દહનના કાર્યક્રમો યોજાય છે જેમાં જામનગર ભોઈ સમાજ દ્વારા વિશિષ્ટ હોલિકા ઉત્સવ છેલ્લા 65 વર્ષથી ઉજવવામાં આવે છે કોરોના કાળ બાદ આ વર્ષે 66 મો હોલિકા ઉત્સવ જામનગરમાં સુભાષ શાકમાર્કેટ પાસે ભોઈ સમાજ દ્વારા ઉજવવામાં આવ્યો હતો.
જામનગર ભોઈ સમાજ દ્વારા 30 ફૂટ ઊંચો હોલિકાનું પુતળું બનાવી દંતકથા અનુસાર ભક્ત પ્રહ્લાદને ખોળામાં રાખી હોલિકા અગ્નિમાં બેસે છે અને ભક્ત પ્રહલાદની પ્રભુ રક્ષા કરે છે તે મુજબ પરંપરાગત રીતે જામનગરના શાક માર્કેટ વિસ્તારમાં આજે હોલિકા ઉત્સવની ઉજવણી કરવામાં આવી હતી જેમાં હોલિકાની સંપૂર્ણપણે સોળે શણગાર સજેલી 30 ફૂટ ઊંચી અને ૪ થી ૫ ટન વજનની હોલિકાની પ્રતિમા બનાવવામાં આવી હતી. આજે સમગ્ર ગુજરાતમાંથી જામનગરના શાક માર્કેટ વિસ્તારમાં યોજાતા હોલિકા ઉત્સવને જોવા માટે મોટી સંખ્યામાં ભક્તો ઉમટી પડ્યા હતા. ગુજરાત તથા દેશ-વિદેશથી લોકો અહીં હોલિકા પ્રાગટ્ય જોવા માટે આવે છે ફાગણ સુદ પૂનમના દિવસે હોલિકાના દર્શન કરનાર સૌ કોઈની મનોકામના પણ સિદ્ધ થાય છે તેવું આ વિસ્તારના શ્રદ્ધાળુઓનું માનવું છે.
આજે જામનગર ખાતે યોજાયેલ આ ઉત્સવમાં અનેક શ્રદ્ધાળુઓએ હોલિકાના દર્શન કરી ધન્યતા અનુભવી હતી. આ પ્રસંગે હોલિકા પ્રાગટ્ય હોય સમાજના પ્રમુખ અનિલભાઈ ગોંડલીયાના હસ્તે કરવામાં આવ્યું હતું તથા ભોઈ સમાજના અધ્યક્ષ રૂપેશભાઈ વાળા, ઉપાધ્યક્ષ બીપીનભાઈ વારા, કોષાધ્યક્ષ ચંદ્રેશભાઇ વારા, સભ્ય સંજયભાઈ દાઉદીયા, ભરતભાઈ ગોંડલીયા રમેશભાઈ જેઠવા તેમજ કાર્યવાહક સમિતિના સભ્યો અને હોલીકા સર્જક સમિતિના સભ્યો હોલિકા પ્રાગટ્યોત્સવમાં ઉપસ્થિત રહ્યા હતા. જામનગરના જુના ગણાતા આ વિસ્તારમાં આજે હોલિકા ઉત્સવને કારણે ભારે ભીડના દ્રશ્યો પણ સર્જાયા હતા. સંપૂર્ણપણે પોલીસે ચૂસ્ત બંદોબસ્ત વચ્ચે આ વિસ્તારમાં હોલિકા દહન થયું હતું.