કોરોનાના પગલે બે વર્ષબાદ ડાકોરમાં ફાગણી પુનમની ઉજવણી થઈ રહી હોવાથી પદયાત્રિકો ઠાકોરજીને મળવાનો ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. બે દિવસમાં ત્રણ લાખ ઉપરાંત પદયાત્રિકો દર્શનનો લાભ લીધો છે. આ વખતે મહેમદાવાદ, મહુધા, ખાત્રજ, અલીણા, ડાકોરના માર્ગો પર હાલમાં લાખોની સંખ્યામાં પદયાત્રિકો ડાકોર તરફ પ્રયાણ કરી રહ્યા છે. હાલમાં ડાકોરની શહેરના યાત્રિકો અને ભક્તોથી છલોછલ છે. તેથી ડાકોરની ગલીઓમાં પદયાત્રિકો ઉભરાઈ રહ્યા છે. જ્યાં જોવા ત્યાં રાજા રણછોડનો જય જય કારનો નાદ ગુંજતો જોવા મળી રહ્યો છે.
ગુજરાતમાંથી દરેક જગ્યાના ભક્તો ડાકોર તરફ પ્રયાણ કરી રહ્યા છે. ડાકોર ગાયોના વાડાપાસે આવેલ રણછોડરાય કેમ્પમાં મોટી સંખ્યામાં પદયાત્રીકો ભોજનનો લાભ લીધો હતો. પદયાત્રાના માર્ગો પર પદયાત્રિકો આરામ ફરમાવતાં જોવા મળ્યાં. હાલમાં ડાકોરની ગોમતી તળાવની ફરતે મોટીસંખ્યામાં યાત્રિકો આરામ કરતાં જોવા મળ્યા હતાં. જ્યાં જૂઓ ત્યાં પદયાત્રીકોની સેવા માટે ડાકોરના સેવકો કામે લાગ્યા છે. યાત્રાધામ ડાકોરની ૫૦ થી વધુ ધર્મશાળાઓ યાત્રિકોથી ઊભરાઇ રહી છે. યાત્રાધામ ડાકોરમાં અત્યાર સુધીમાં અનેક સંધો પ્રવેશી ચૂક્યા છે. લાખો પદયાત્રિકો પહોંચ્યા છે. તેના કારણે ડાકોરની ધર્મશાળાઓ યાત્રિકોથી ભરપૂર જોવા મળી હતી. જ્યાં જોવા ત્યાં ભજનની રમઝટ જામેલી જોવા મળી હતી. ડાકોરમાં કાયદો વ્યવસ્થા જાળવવા ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવાયો છે તેમજ જિલ્લાવહીવટી તંત્ર ધ્વારા યાત્રિકોની સવલતો અને સુરક્ષા માટેના વિશીષ્ટ આયોજનો કરવામાં આવ્યા છે.
યાત્રાધામ ડાકોર નગરમાં યાત્રિકો શાંતિપૂર્ણ રીતે દર્શન કરી શકે તે માટે અને કોઈ અનિચ્છનિય બનાવ બને નહીં તે માટે ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. જેમાં ૪ પીઆઈ, ૮ પીએસઆઈ, ૭૪ કોન્સ્ટેબલ, ૧૦૬, ૩૦ જીઆરડી જવાન ગોઠવ્યા છે. જયારે જિલ્લા વહીવટીતંત્ર ધ્વારા ઉચ્ચ અધિકારીઓ, એમ્બુલન્સ સેવાઓ, પીવાના પાણી, ઠેર ઠેર દર્શનાર્થે ટી.વી. ની વ્યવસ્થા, આરોગ્ય સેવા માટે કેમ્પો તથા યાત્રિકોની મદદ માટે કેમ્પોની વ્યવસ્થા કરવામાં આવી છે. જિલ્લા કલેકટર કે.એલ.બચાણીએ યાત્રિકોને પ્લાસ્ટીક મુક્ત ડાકોર માટે પણ જાહેર અપીલ કરી છે.
નરેશ ગનવાણી : નડિયાદ