વડોદરા નજીક કેલનપુર પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ખાતે આજે રાષ્ટ્રીય રસીકરણ જાગૃતિ દિવસની ઉજવણીની સાથે રાજ્ય સરકારના આરોગ્ય વિભાગની સૂચના પ્રમાણે ૧૨ થી ૧૪ વર્ષની ઉંમરના કિશોર કિશોરીઓને કોરોના સામે રક્ષણ આપતી રસી મૂકવાની શરૂઆત કરવામાં આવી હતી.
ગરબા દ્વારા આરોગ્ય અને રસીકરણ જાગૃતિ તથા કોરોના અટકાવતી તકેદારીઓનો સચોટ સંદેશ આપવામાં આવ્યો હતો. જિલ્લા પંચાયત આરોગ્ય સમિતિના અધ્યક્ષ નિલેશ પુરાણી અને મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડો.ઉદય ટીલાવતે રસીકરણ શરૂ કરાવતા જણાવ્યું કે કોરોના સહિત તમામ રસીઓ આરોગ્ય રક્ષા માટે અગત્યની છે એટલે બાળકોને સમય પત્રક પ્રમાણે તમામ રસીઓ અપાવવી એ માતાપિતાની ફરજ છે. આરોગ્ય વિભાગ વિનામૂલ્યે રસીકરણની સુવિધા આપે છે જેનો લાભ જાગૃતિ દાખવીને લેવો જોઈએ.
આ પ્રસંગે સારી કામગીરી કરનારા આરોગ્ય કર્મચારીઓને પ્રમાણપત્રો આપવામાં આવ્યા હતા. તબીબી અધિકારી ડો. જીતેન રાણાએ જણાવ્યું કે અમારા પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર હેઠળ ૧૨ થી ૧૪ વર્ષની ઉંમરના ૧૦૪૯ કિશોરો રસી લેવાને પાત્ર છે અને અમે તમામને રસીકરણ હેઠળ આવરી લેવાનું આયોજન કર્યું છે. તેમણે જણાવ્યું કે બાળ કિશોરોના રસીકરણને લગતી નવી સૂચનાઓ અનુસાર સન ૨૦૦૮/૯ ના વર્ષમાં અને ૧૬ મી માર્ચ,૨૦૧૦ સુધી જન્મેલા બાળ કિશોરો રસીકરણ માટે લાયક ગણાશે. એમને નવી કાર્બેવેક્સ રસી આપવામાં આવશે.આ પ્રંસંગે તાલુકા આરોગ્ય અધિકારી ડો.નીરજ અને જિલ્લા પંચાયત સદસ્ય જ્યોત્સનાબેન વાઘેલાએ ઉપસ્થિત રહી સૌને પ્રોત્સાહિત કર્યા હતાં.