હાલ રાજ્યમાં ઉનાળાની કાળઝાળ ગરમીની શરુઆત થઇ છે, ભરૂચ જિલ્લામાં પણ ગરમીનો પારો ૪૦ ડિગ્રીને પાર પહોંચી રહ્યો છે, જેને લઈ જિલ્લા વાસીઓ કાળઝાળ ગરમીનો સામનો કરી રહ્યા છે, ઉનાળામાં ખાસ કરી શરીરને ઠંડક મળી રહે તે માટે સૌ કોઈ ઠંડા પાણીનું સેવન કરતા હોય છે, પરંતુ ભરૂચમાં એવા કેટલાય જાહેર સ્થળો છે, જ્યાં પાણીની પરબો અને કુલરો છે પણ તેની જાણવણી ન થવાના કારણે હાલ બંધ અવસ્થામાં જોવા મળી રહ્યા છે.
આજ પ્રકારનું એક સ્થાન ભરૂચની કે.જે પોલીટેકનીક કોલેજનું છે, આ એ જ ભરૂચની કોલેજ છે જ્યાં હજારો વિદ્યાર્થીઓ પોતાના ભાવિનું ઘડતર કરવા માટે રાત દિવસ મહેનત કરી દૂરદૂરથી અહીંયા આવતા હોય છે, આ કોલેજને ભરૂચના રાજકિય નેતાઓ પણ ખૂબ સારી રીતે ઓળખે છે કારણ કે અહીંયા એ નેતાઓ પણ આવતા હોય છે અને મતગણતરીના સમયે તેઓની તરફેણમાં મત કેટલા મળ્યા છે તેના સારા પરિણામોની આશા રાખી વિજય બની અહીંયાના ગેટ પરથી સરઘસ કાઢીને જતા હોય છે.
આ અહેવાલમાં કહેવાનો ભાવાર્થ એટલો જ છે કે આજકાલ ઉનાળાની કાળઝાળ ગરમી ચાલી રહી છે, પરંતુ કે.જે પોલિટેક્નિક કોલેજ ખાતે આવેલ ઠંડા પાણીની પરબો અને કુલરો બંધ અવસ્થામાં છે, જે જગ્યા ઉપર ગંદકીનું સામ્રાજ્ય જામી ગયું છે, ત્યારે આટલા આકળા તાપમાં વિદ્યાર્થીઓ એ કોલેજમાં પાણી વગર વલખા મારવા પડી રહ્યા છે અને ના છૂટકે વેચાણથી પાણી લાવી પોતાની તરસ છીપાવવી પડી રહી છે.
કોલેજમાં પાણીની આ સુવિધાને લઈ NSUI મેદાનમાં આવ્યું છે, અને કોલેજના તંત્રને રજૂઆત કરી આ પરબો અને કુલરો ચાલુ કરવાની માંગ કરવામાં આવી છે, જો આ પરબો અને કુલરો રાબેતા મુજબ ચાલુ નહિ કરવામાં આવે તો આગામી દિવસોમાં કોલેજ ખાતે આંદોલનની ચીમકી પણ ઉચ્ચારવામાં આવી છે, ત્યારે આશા રાખીએ કે સારા પરિણામો લઈને સત્તા સુધી પહોંચેલા નેતાઓ કોલેજ સત્તાધીશોનું ઘ્યાન કેન્દ્રીત કરી હજારો વિદ્યાર્થીઓની તરસની તલબનો અંત લાવશે તેવી લોકોમાં માંગ ઉઠી છે.
હારુન પટેલ : ભરૂચ