Proud of Gujarat
FeaturedGujaratINDIA

અંકલેશ્વર ખાતે “ચોથી જાગીરનું ચિંતન” વિષય પર સેમિનાર યોજાયો.

Share

અંકલેશ્વરના પ્રિન્ટ તેમજ ઈલેક્ટ્રોનિકસ માધ્યમોના પત્રકાર સમુદાય તથા અંકલેશ્વર નગરપાલિકાના સંયુકત ઉપક્રમે ભરૂચ જિલ્લાના અંકલેશ્વરની ઈ.એન.જીનવાલા હાઈસ્કૂલ સંકુલમાં શારદા ભવન હોલમાં “ચોથી જાગીરનું ચિંતન” વિષય પર સેમિનાર યોજાયો હતો. જેમાં તજજ્ઞો દ્વારા પત્રકારત્વના વિવિધ પાસાઓ અને સોશ્યલ મીડિયાની ઉપયોગિતા અંગે રસપ્રદ વિચારો વ્યક્ત કરી માર્ગદર્શન આપ્યું હતું.

આ પ્રસંગે વરિષ્ઠ પત્રકાર વિક્રમ વકીલે સાંપ્રત સમયમાં પત્રકારત્વની વિશ્વસનીયતા વિષય પર રસપ્રદ વિચારો વ્યક્ત કરતાં જણાવ્યું કે, જનતાનો વિશ્વાસ સંપાદન કરી વિશ્વસનીય સમાચારો પીરસીને સમાજસેવાનો ભાગ બની શકાય છે. સમાચાર સમૂહોએ એક પક્ષીય ન બની સર્વને હિતકારી લેખન કરવું એ તેમની પ્રાથમિક ફરજ છે. નાગરિકોને પ્રેસ-મીડિયા પર ભરપૂર વિશ્વાસ છે તેનું કારણ છે વિશ્વસનીયતા. પરંતુ ઝડપી સમાચાર આપવાની દોડમાં ઘણીવાર આ વિશ્વસનીયતા દાવ પર ન લાગી જાય એ પણ સાવધાની રાખવા તેમણે જણાવ્યું હતું.

Advertisement

આજના વાચકો સ્માર્ટ બન્યા છે, ‘પબ્લિક હૈ સબ જાનતી હૈ’ એ ન્યાયે જનતા હવે સારા નરસા તમામ પાસાઓનો તલસ્પર્શી અભ્યાસ કરીને અભિપ્રાય બાંધે છે એમ જણાવતાં વધુમાં વકીલે ઉમેર્યું કે, ફિલ્મ અને સ્પોર્ટ્સ પત્રકારત્વ હવે ધીમે ધીમે લુપ્ત થઈ રહ્યું છે, જેના કારણમાં સ્પોન્સરશીપનો વધતો પ્રભાવ છે. ન્યૂઝપેપર માત્ર ન્યુઝ નહીં પણ વ્યુઝ જાણવા, વૈચારિક દ્રષ્ટિકોણ કેળવવાનું પણ મહત્વનું માધ્યમ છે. રાષ્ટ્રીય સ્તરે મીડિયાકર્મીઓમાં એકતાની ભાવના મજબૂત થાય એ જરૂરી છે એવો મત તેમણે વ્યક્ત કર્યો હતો.

અમદાવાદના ઈલેક્ટ્રોનિક મીડિયાના જાણીતા પત્રકાર ભૌમિક વ્યાસે ઇલેક્ટ્રોનિક મીડિયા સામેના પડકારો અંગે વિસ્તૃત વિગતો આપતા કહ્યું કે, વેબ મીડિયા, સોશ્યલ મીડિયાના વધતા પ્રભાવ અને માહિતીના ધોધ વચ્ચે જરૂરી અને સાચી માહિતી લોકો સુધી પહોંચાડવાની જવાબદારી મીડિયાની છે. ન્યુઝ ચેનલોની કામગીરી રિઅલ ટાઈમમાં કરવાની હોય છે. દોડધામ કરીને રિપોર્ટિંગ સંઘર્ષભર્યું અને પડકારજનક હોય છે, પરંતુ તેનો આનંદ પણ વિશેષ હોય છે.

અંકલેશ્વરના સોશ્યલ મીડિયા તજજ્ઞ ડૉ. ખુશ્બુ પંડયાએ વધી રહેલા સોશ્યલ મીડિયાના પ્રભાવ અને તેની અસરો અંગે જણાવ્યું કે, સોશ્યલ મીડિયા હવે માત્ર મનોરંજન માટે નહીં, પણ માનવજીવનનું અભિન્ન અંગ બની ગયું છે. પરંતુ જેમ એક સિક્કાની બે બાજુ હોય છે તેમ સોશિયલ મીડિયાના પણ સારા-ખરાબ પરિબળો છે. જેથી ફોરવર્ડેડ મેસેજીસ, ફેક ન્યુઝ અને આધારહીન વિગતો અને રજૂઆતથી બચવાની શીખ પણ તેમણે આપી હતી. તેમણે ડિજિટલ માધ્યમો થકી હકીકતલક્ષી વિગતો, સમાચારો રજૂ થાય અને આધારહીન વિગતોના સ્થાને વાસ્તવિક ન્યુઝ લોકો સુધી પહોંચે એના પર વિશેષ તકેદારી રાખવા સૌને અનુરોધ કર્યો હતો.

અંકલેશ્વર ડીવાયએસપી ચિરાગ દેસાઈએ કાયદો અને વ્યવસ્થાની જાળવણીમાં મીડિયાની ઉપયોગિતા વિષય પર સંબોધન કરતા પત્રકારત્વને મિરર ઓફ ધ સોસાયટી તરીકે ગણાવ્યું હતું. તેમણે લો એન્ડ ઓર્ડર જળવાઈ રહે, સમાજમાં વર્ગવિગ્રહ ન ફેલાય, જનઆક્રોશ ઉત્પન્ન ન થાય એ પ્રકારે શુદ્ધ બુદ્ધિથી સમાચારનું પ્રસારણ, પ્રસિદ્ધિ કરવી જોઈએ. ઘણીવાર ઉત્સાહમાં એવું લખાણ પ્રસિદ્ધ થઈ જતું હોય છે, જે આરોપીના બચાવમાં મદદગાર બને છે, અને આરોપીને કડક સજામાંથી છટકવાની તક મળે છે એમ જણાવતાં સમાજમાં કાયદો અને વ્યવસ્થા જાળવવામાં મીડિયાકર્મીઓનું મોટું યોગદાન હોવાનું ઉમેર્યું હતું. વરિષ્ઠ પત્રકાર અને ચેનલ નર્મદાના ડિરેક્ટર હરીશ જોષીએ પ્રાસંગિક ઉદ્દબોધનમાં પોતાના અનુભવો વર્ણવીને માર્ગદર્શન પૂરું પાડ્યું હતું. સેમિનારનું કુશળ સંચાલન અંકલેશ્વર પ્રેસ ક્લબના પ્રમુખ દેવાનંદ જાદવે કર્યું હતું. તેમણે તજજ્ઞ વક્તાઓને આવકારતા પ્રેસ ક્લબની વૈવિધ્યસભર પ્રવૃત્તિઓની ઝલક વર્ણવી હતી. આ વેળાએ અંકલેશ્વર નગરપાલિકાના પ્રમુખ વિનય વસાવાએ પ્રસંગોચિત્ત ઉદબોધન કરી મીડિયાલક્ષી વિચારવિમર્શના આ પ્રયાસને આવકાર્યો હતો.

પ્રારંભે કોરોના કાળમાં દિવંગત પત્રકારો, મીડિયાકર્મીઓને બે મિનિટ સામૂહિક મૌન પાળી શ્રદ્ધાંજલિ અર્પી હતી. સેમિનારના અંતે પ્રશ્નોત્તરી સેશનમાં પત્રકારત્વના વિદ્યાર્થીઓએ નિષ્ણાંત વક્તાઓને વિષય અનુસંધાને પ્રશ્નો પૂછ્યા હતા, જેમના સંતોષકારક ઉત્તરો વક્તાઓએ આપ્યા હતા. સેમિનારમાં અખિલ ભારતીય પત્રકાર સુરક્ષા સમિતિના પ્રમુખ જયોતિન્દ્ર ગોસ્વામી, અંકલેશ્વર જર્નાલિસ્ટ એસોસિએશનના જીતેન્દ્ર પટેલ સહિત પ્રિન્ટ અને ઈલેક્ટ્રોનિક મીડિયાના પ્રતિનિધિઓ, વીર નર્મદ યુનિવર્સિટીના જર્નલિઝમ-માસ કોમ્યુનિકેશન વિભાગના પત્રકારત્વના વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા.


Share

Related posts

પંચમહાલ : શહેરા તાલુકાનાં આચાર્યોની ડીઝીટલ તાલીમ યોજાઈ.

ProudOfGujarat

સુરતમાં ટ્રાફિક TRB જવાન પણ પીધેલી હાલતમાં ઝડપાયા.

ProudOfGujarat

અંકલેશ્વર ખાતે ખોટા દસ્તાવેજ બનાવી વક્ફ બોર્ડ ની જમીન વેચી દેવાના સડયંત્ર માં વોન્ટેડ આરોપીને ઝડપી પાડતી ક્રાઇમ બ્રાંચ

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!