ઉનાળાની શરૂઆત સાથે જ ભરૂચ જિલ્લામાં અનેક સ્થળે આગ લાગવાની ઘટનાઓ સામે આવી રહી છે, જિલ્લામાં એક માસમાં અનેક સ્થળે આગ લાગવાના બનાવો બનવા પામ્યા છે જેમાં વધુ એક ઘટના સામે આવી છે.
બનાવ અંગેની પ્રાપ્ત માહિતી અનુસાર ભરૂચ તાલુકાના શુકલતીર્થ ગામ ખાતે આવેલ ખોડીબારા ફળિયામાં આજે મોડી સાંજે અચાનક એક મકાનમાં આગ ભભૂકી ઉઠતા ભારે દોડધામ મચી હતી,જોત જોતામાં આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરતા આસપાસના અન્ય મકાનો પણ આગની ઝપેટમાં આવ્યા હતા જોકે ઘટના અંગેની જાણ ભરૂચ નગરપાલિકા અને જીએનએફસીના ફાયર વિભાગમાં કરવામાં આવતા ફાયરના લાશકરોએ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી આગ ઉપર પાણીનો મારો ચલાવી આગને ગણતરીના સમયમાં કાબુમાં લીધી હતી.
અચાનક ગામમાં લાગેલ આગની ઘટનાના પગલે એક સમયે સ્થળ ઉપર ભારે ટોળા જામ્યા હતા, આગની ઘટના અંગેનું ચોક્કસ કારણ સામે આવ્યું નથી પરંતુ આગ શોર્ટ સર્કિટના કારણે લાગી હોવાનું પ્રાથમિક અનુમાન લગાવાઈ રહ્યું છે,આગની ઘટનામાં મકાનમાં રહેલ ઘર વકરી બળીને ખાખ થતા મોટી નુકશાનીનું પણ અનુમાન સેવાઇ રહ્યું છે.
હારૂન પટેલ : ભરૂચ