પરમ પૂજ્ય પ્રાતઃસ્મરણીય પ્રીતમ મુનીજી મહારાજની પ્રેરક ઉપસ્થિતિમાં શ્રી સાર્વજનિક કોમર્સ કોલેજ ગોધરાની સાત દિવસીય જાણ જાગૃતિ શિબિર પ્રાથમિક શાળા વાવડી બુઝુર્ગ ખાતે સંપન્ન થઈ. આ પ્રસંગે પધારેલા પરમ પૂજ્ય પ્રીતમ મુનિએ વિદ્યાર્થીઓને આશીર્વચન પાઠવી જીવન ઉપયોગી બાબતો જણાવી શિબિરાર્થીઓને ખુશ ખુશાલ કરી દીધા હતા. આ પ્રસંગે ખાસ ગોવિંદ ગુરુ યુનિવર્સિટીના એનએસએસ વિભાગના કોર્ડીનેટર ડો. નરસિંહભાઇ પટેલ, એડવોકેટ અને બિલ્ડર એવા મિતેશકુમાર બસરાણી, નગરપાલિકા ગોધરાના કાઉન્સિલર રાકેશકુમાર રાણા, વરદાન ટ્રસ્ટમાંથી મેહુલ ચાંપાનેરીયા, સુનીલભાઈ સહિત મહાનુભાવોએ ઉપસ્થિત રહી વિદ્યાર્થીઓનો કાર્યક્રમ જાણ્યો હતો અને માણ્યો હતો.
પ્રારંભમાં એન.એસ.એસ.ના પ્રોગ્રામ ઓફીસર પ્રોફેસર અરુણસિંહ સોલંકીએ ઉપસ્થિત મહેમાનોને સાત દિવસીય શિબિરની માહિતી ટૂંકમાં આપી હતી. ખાસ કરીને આ વિદ્યાર્થીઓએ વાવડી ગામના ઘરોમાં જઈને સર્વે કરી કોના ઈ શ્રમ કાર્ડ અને આયુષ્યમાન કાર્ડ શાળા ખાતે બોલાવી સ્થળ પર જ કાર્યવાહી પૂરી કરી ગ્રામજનોને ખુશ કરી દીધા હતા. તે ઉપરાંત આ સાત દિવસોમાં પરવડી ખાતે ચાલતી જીવદયા ગૌશાળાની મુલાકાત, શ્રમદાન થકી સ્વચ્છતા, શાળાના બાળકો સાથે રમત ગમત અને ભોજન, સ્વચ્છતા અભિયાન, બ્લડ ડોનેશન, થેલેસેમીયા ચેકઅપ કેમ્પ, ગરબા અને ડાન્સ, અંતાક્ષરી, ડોક્ટર દાસીયાણી સાહેબ અને ડોક્ટર શ્યામસુંદર શર્મા સાહેબ દ્વારા મેડિકલ ચેકઅપ કેમ્પ, પ્રસિદ્ધ હાસ્ય કલાકાર દિવાકર શુક્લનો મોટીવેશન વિથ મનોરંજન કાર્યક્રમ, કોમર્સ કોલેજના પ્રો.અજીતસિંહ ચૌહાણ સાહેબનું માનનીય પ્રવચન, બોડેલીના આચાર્ય જીજ્ઞેશભાઈ શાહનું મહિલાદિન નિમિતનું ખાસ વ્યાખ્યાન પ્રિય એવા આર્ટ ઓફ લિવિંગના શિક્ષક નરેશભાઈ તથા મુકેશભાઈ પટેલ, યુવા સામાજિક કાર્યકર કૈલાશ કારિયા દ્વારા વિશેષ માર્ગદર્શન ઉપરાંત કોલેજના વિદ્યાર્થી ભાવિન ભાઈ દ્વારા જીવ દયા અંગેની કામગીરી, પ્રિ હોળીની ઉજવણી સહિત અનેક કાર્યક્રમોની આછી ઝલક આપી હતી. શિબિરની શરૂઆતમાં જીલ્લા પંચાયત પંચમહાલના પ્રમુખ કુમારી કામિનીબેન ગોપાલસિંહ સોલંકી, ગ્રામ પંચાયત વાવડીના સરપંચ મોનિકાબેન રાઠોડ, તાલુકા કારોબારી અધ્યક્ષ અને પૂર્વ સરપંચ ધર્મેન્દ્ર સિંહ રાઠોડ, શાળાના આચાર્ય ભાવેશભાઈ પટેલ સહિતના મહાનુભાવોએ દીપ પ્રાગટ્યથી કેમ્પ શરૂ કરી કેમ્પને શુભકામનાઓ પાઠવી હતી.
કેમ્પની મુખ્ય પ્રવૃત્તિ એ રહી કે કોમર્સ કોલેજના વિદ્યાર્થીઓએ વાવડી ગામના ગ્રામજનોના આધાર કાર્ડના આધારે ઈ શ્રમ કાર્ડ તથા આયુષ્યમાન કાર્ડ કાઢી આપી ગ્રામજનોની મુશ્કેલીઓ દૂર કરી હતી.
પંચમહાલ રાજુ સોલંકી