પંચમહાલ જિલ્લા કલેકટર સુજલ મયાત્રાનાં અધ્યક્ષસ્થાને જિલ્લા સેવા સદન, ગોધરા ખાતે જિલ્લા સ્થાયી પરીક્ષા સમિતિની બેઠક યોજાઇ હતી. બેઠકમાં કલેક્ટરએ આગામી 28 મી માર્ચથી શરૂ થઈ રહેલી એસ.એસ.સી, એચ.એસ.સી.ની બોર્ડ પરીક્ષાઓને ધ્યાને રાખી કરવામાં આવી રહેલી પૂર્વ તૈયારીઓ વિશે વિગતવાર માહિતી મેળવી સમીક્ષા હાથ ધરી હતી. સારામાં સારી રીતે માર્ગદર્શિકા અનુસાર પરીક્ષાઓ આયોજિત થાય, શિસ્તને લગતા કોઈ પ્રશ્નો ન ઉદભવે, નિયમો અંગેના અજ્ઞાનના કારણે કોઈ સમસ્યા, ઘર્ષણ કે મુશ્કેલી ઉભી ન થાય, ગેરરીતિને કોઈ અવકાશ ન રહે, વિદ્યાર્થીઓ તણાવમુક્ત થઈને નિશ્ચિંતપણે પરીક્ષા આપી શકે તેવો માહોલ સર્જવા માટે તેમણે સંબંધિત અધિકારીઓને નિર્દેશ આપ્યા હતા. મોબાઈલ લાવવા, પરીક્ષા ખંડમાં એન્ટ્રી અને ગેરરીતિ કરતા પકડાવવા પર થનારી શિક્ષા વિશે પરીક્ષાર્થીઓને સારી રીતે માહિતગાર કરવા તેમણે જણાવ્યું હતું. 12 એપ્રિલ, 2022 સુધી ચાલનારી આ પરીક્ષાઓ દરમિયાન કેન્દ્રો પર પાણી, શૌચાલય, વીજપુરવઠો, પ્રાથમિક મેડિકલ સારવાર, ટ્રાન્સપોર્ટ માટે બસ સહિતના વાહનોની ઉપલબ્ધિ સુનિશ્ચિત કરવા જિલ્લા સમાહર્તાએ સૂચના આપી હતી. પરીક્ષાને ધ્યાનમાં રાખીને કાઉન્સેલિંગ સેન્ટરો શરૂ કરવા તેમજ વિદ્યાર્થીઓને પ્રેમપૂર્વક ધ્યાનથી માર્ગદર્શન આપવા તેમણે જણાવ્યું હતું. પરીક્ષાનાં 2 દિવસ અગાઉથી સવારે 8.00 કલાકથી રાત્રે 8.00 કલાક સુધી કાર્યરત રહેતો કન્ટ્રોલ રૂમ શરૂ કરવામાં આવશે. બેઠકમાં જિલ્લા શિક્ષણાધિકારી બી.એસ. પંચાલ, જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી વી.એમ. પટેલ, વિવિધ શૈક્ષણિક સંઘોના પ્રમુખો સહિતના સ્થાયી પરીક્ષા સમિતિના સભ્યો ઉપસ્થિત રહ્યા હતા.
પંચમહાલ જિલ્લા સહિત રાજ્યભરમાં તા. 28.03.2022 થી બોર્ડ પરીક્ષાઓની શરૂઆત થઈ રહી છે. એસ.એસ.સી. બોર્ડની પરીક્ષા તા. 10 એપ્રિલનાં રોજ, એચ.એસ.સી. સામાન્ય પ્રવાહની પરીક્ષા તા. 12 એપ્રિલનાં રોજ તેમજ એચ.એસ.સી. વિજ્ઞાન પ્રવાહની પરીક્ષા તા.08 એપ્રિલનાં રોજ સમાપ્ત થશે. એસ.એસ.સી.ની પરીક્ષાનો સમયગાળો 10.00 થી 13.15 કલાક, એચ.એસ.સી. (સામાન્ય પ્રવાહની પરીક્ષા 10.00 થી 13.45 કલાક અને 15.00 થી 18.30 કલાક સુધી તેમજ એચ.એસ.સી. (વિજ્ઞાન પ્રવાહ)ની પરીક્ષા 15.00 કલાકથી 18.30 કલાકનાં સમયગાળામાં યોજાશે. જિલ્લામાં કુલ 52 પરીક્ષા કેન્દ્રોનાં 128 પરીક્ષા બિલ્ડિંગમાં 1334 બ્લોક પર આ પરીક્ષાઓનું આયોજન કરાશે. એસ.એસ.સી.નાં 25,473 અને એચ.એસ.સી.નાં 13,015 મળી કુલ 38,488 વિદ્યાર્થીઓ પરીક્ષામાં ઉપસ્થિત રહેશે. એસ.એસ.સી.ની પરીક્ષા માટે મોડલ સ્કૂલ, હાલોલ (હાલોલ ઝોન માટે) અને સરકારી તેલંગ વાણિજ્ય સ્કૂલ (ગોધરા ઝોન માટે) તેમજ એચ.એસ.સી. સામાન્ય પ્રવાહ અને વિજ્ઞાન પ્રવાહ માટે સરકારી તેલંગ વાણિજ્ય વિદ્યાલય ઝોન કચેરી રહેશે.
પંચમહાલ રાજુ સોલંકી