ચરોતરના ગૌરવ સમી નડીઆદની સુરજબા મહિલા આર્ટસ કોલેજે રાષ્ટ્રીય સ્તરે ઝળહળતી સિધ્ધી મેળવી છે. દિલ્લી સરકારના શિક્ષણ વિભાગ દ્વારા આ કોલેજને ગુજરાતની સૌથી શ્રેષ્ઠ મહિલા આર્ટસ કોલેજનો દરજ્જો અપાયો છે. આખા રાજ્યની મહિલા આર્ટસ કોલેજોમાં ‘નેક’ ખાતે ‘એ’ ગ્રેડ મેળવનાર સુરજબા મહિલા આર્ટસ કોલેજમાં ગામડાની વિધાર્થીની બહેનો હોવા છતાં તેમણે રાજ્યમાં પ્રથમ આવવાની આ સફળતા મેળવી છે.
નડીયાદની મહિલા કોલેજને બેંગ્લોરની નેશનલ એસેસમેન્ટ એન્ડ એકીડીએશન કાઉન્સિલ (NAAC – નેક) સંસ્થા દ્વારા ઊંડું મુલ્યાંકન કરીને ‘એ’ ગ્રેડ આપવામાં આવ્યો છે. દિલ્લીના કેન્દ્રીય શિક્ષણ વિભાગ દ્વારા શરુ કરાયેલી આ NAAC સીસ્ટમમાં A ગ્રેડ મેળવનાર આ કોલેજ રાજ્યની સર્વ પ્રથમ મહિલા આર્ટસ કોલેજ બની છે. આ માટે ‘નેક’ દ્વારા ઝારખંડની યુનિવર્સિટીના વાઈસચાન્સેલર, મીઝોરમની યુનિવર્સિટીના ડીપાર્ટમેન્ટ હેડ અને પંજાબના જલંધરની મહિલા કોલેજના આચાર્યની એક તપાસ સમિતિ મોકલવામાં આવી હતી. દેશના ત્રણ જુદા-જુદા રાજ્યોમાંથી આવેલી આ સમિતિએ નડીયાદની કોલેજમાં ગત ૨૧ થી ૨૩ ફેબ્રુઆરી દરમ્યાન ખાસ નિરીક્ષણ કર્યું હતુ. જે દરમ્યાન કમીટીએ કોલેજના સ્ટુડન્ટ, વાલી, એલ્યુમનિ સ્ટુડન્ટ, ટીચર, મેનેજમેન્ટ વગેરે સાથે અંગત મીટીંગો કરીને કોલેજ વિશેની ઝીણામાં ઝીણી જાણકારી અને દસ્તાવેજો મેળવ્યા હતા. આ ઇન્સ્પેકશન કાર્ય દરમ્યાન કમીટી સભ્યોએ મેનેજમેન્ટ અને ચાર્ટડ એકાઉન્ટ સાથે પણ પૂછતાછ કરી હતી. આખરે દરેક શ્રેત્રે કોલેજના સર્વાંગી વિકાસથી સંતુષ થઈને આજે સુરજબા મહિલા આર્ટસ કોલેજને ‘એ’ ગ્રેડ ૩.૧૭ ગુણ સાથે જાહેર કરીને રાજ્યની શ્રેષ્ઠ મહિલા આર્ટસ કોલેજનો દરજ્જો આપવામાં આવ્યો છે. કોલેજ પરિવારે આ સફળતા માટે વિધાર્થીની બહેનોને હાર્દિક અભિનંદન પાઠવ્યાં છે.
નરેશ ગનવાણી : નડિયાદ