કૌશલ્ય વિકાસ અને ઉદ્યોગ સાહસિકતા મંત્રાલય ભારત સરકાર દ્વારા પ્રસ્થાપિત જન શિક્ષણ સંસ્થાન ભરૂચનાં મધ્યસ્થ ખંડ ખાતે આજરોજ આંતરરાષ્ટ્રિય મહિલા દિવસની ઉજવણીનો કાર્યક્રમ આયોજીત કરાયો. ભરૂચ નગરપાલીકાના ઉપપ્રમુખ નિનાબા યાદવનાં મુખ્ય મહેમાન પદે આયોજીત કાર્યક્રમમાં સ્કીલ હબ કેન્દ્રનું દિપ પ્રાગટ્ય સાથે લોકાર્પણ કરાયું.
સ્વાગત પ્રવચન કરતા નિયામક ઝયનુલ સૈયદે જણાવ્યું કે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીનાં સ્વપ્નને સાકાર કરવા “કૌશલ ભારત, કુશલ ભારત ”કાર્યક્રમ અંતર્ગત દેશભરમાં પપ૦૦ જેટલા સ્કીલ હબ સેન્ટરો શરૂ કરવાનું આયોજન છે. સમગ્ર દેશમાં ફકત ૫૦ જન શિક્ષણ સંસ્થાનો ખાસ કિસ્સામાં પસંદગી પામેલ છે. જેમાં આપણો જિલ્લો સામેલ છે. આ સ્કીલ હબ યોજના હેઠળ પ્રથમ તબક્કામાં ૪૦ બહેનોને વિના મૂલ્યે એન.એસ.ડી.સી. સીલેબસ મુજબ પદ્ધતિસરની “આસીસટન્ટ બ્યુટી થેરાપીસ્ટની” તાલીમ આપવામાં આવશે. લાભાર્થીઓને તાલીમને અનુરૂપ જરૂરી કિટ્સનું મહાનુભાવોના હસ્તે વિતરણ કરાયું. પ્રાસંગિક પ્રવચનમાં મહિલા દિવસના મહત્વ અંગે અલીફ ઇંગ્લીશ મીડીયમ સ્કુલના પ્રિન્સીપાલ ઝૈનબબેન પટેલે વિગત આપતા સમજાવ્યું કે મહિલા પોતે શિક્ષિકા તરીકે પોતાના બાળકોના સંસ્કારોનું સીંચન કરે છે. તેના શિક્ષણ આરોગ્ય અને જીવન ઘડતર થકી જ બાળકોનો વિકાસ થાય છે. નાયબ કલેક્ટર ર્ડા. એસ. એમ. ગાંગુલીએ પોતાના વકતવ્યમાં મહિલા મતદાન જાગૃતિ વિકસાવવા તથા લોકશાહીમાં મહિલાઓનું પ્રતિનિધીત્વ વધે તે દિશામાં આગળ વધવા હાકલ કરી હતી.
આમંત્રિત મહેમાનોના હસ્તે સંસ્થામાં શ્રેષ્ઠ કામગીરી કરનાર ટ્રેનર્સ રિસોર્સ પર્સનો મીનાબેન પુરોહીત, ઇલાબેન પટેલ, રસીદાબેન ગોહીલ, છાયાબેન પાટીલ વગેરેને પ્રમાણપત્ર આપી સન્માનિત કરાયા હતા. જ્યારે સ્કીલ હબમાં જોડાયેલ તાલીમાર્થી બહેનોને કીટબેગ, જર્નલ, એપ્રન વગેરે અર્પણ કરાયા હતા અને ગત બેચોમાં પાસ થયેલ તાલીમાર્થીઓને મંચસ્થ મહાનુભાવો સર્વ નિનાબા યાદવ, મહિલા મોરચાના પ્રમુખ અંબાબેન પરીખ, નગરપાલીકા સેનેટરી સમિતિનાં ચેરમેન ચિરાગભાઈ ભટ્ટ, શહેર ભાજપના ઉપપ્રમુ અમિતભાઈ પટેલ તથા બેન્ક ઓફ બરોડા તરફથી આવેલ સંદીપ પટેલ દ્વારા પ્રમાણપત્રો વિતરણ કરાયા હતાં.
મુખ્ય મહેમાન પદેથી બોલતા દરેક મહિલાઓમાં જે શક્તિ છે તેને ઓળખીએ નવરાત્રીમાં જે માતાની પૂજાઅર્ચના કરવામાં આવે છે તેવી રીતે સ્ત્રીની પૂંજા થવી જોઇએ. દરેક ક્ષેત્રમાં મહિલાઓ પાછળ પડી નથી અને પાછળ પડશે નહિં તેવી કામનાઓ સાથે મહિલાઓને દરેક ક્ષેત્રે આગળ આવવા તત્પર રહેવા અનુરોધ કર્યો હતો.
અંતે સંસ્થાનનાં રિસોર્સ પર્સન અર્પીતા રાણા દ્વારા આભાર દર્શન કરવામાં આવ્યું. સમૂહ રાષ્ટ્રગાન સાથે કાર્યક્રમની સમાપ્તિ કરવામાં આવી. સમગ્ર કાર્યક્રમનું સફળ સંચાલન હેતલબેન પટેલ દ્વારા કરવામાં આવ્યું હતું.
જન શિક્ષણ સંસ્થાન ભરૂચ ખાતે મહિલા દિન નિમિત્તે સ્કીલ હબનું કરાયું લોકાર્પણ.
Advertisement