લાગે છે ભરૂચ જિલ્લા પોલીસે ” કાગનો વાઘ અને વાઘનો કાગ ” કરવાની બેવડી આવડત કૅળવી છે. ગંભીર ગુનાને ઉકેલવા પોલીસને આરોપીના રિમાન્ડની આવસ્યકતા હોય છે. પરંતુ ગુનાની ગંભીરતા જાણવા છતાં આખી વાતને હળવાશથી લેવા જતા નામદાર કોર્ટે તપાસકર્તા પોલીસને લતાડી છે. જાણે નાક વાઢી લીધું છે!.
વાત છે અંકલેશ્વરથી નકલી ચલણી નોટો અને ડુપ્લીકેટ માર્કશીટ બનાવતા ઝડપાયેલા બે આરોપીઓની. સચિન ખારવા અને રાહુલ પરમાર નામના બે આરોપીઓને ભરૂચની SOG પોલીસે બાતમીના આધારે ઝડપી લઈ તેમના દસ દિવસના રિમાન્ડની માંગણી અર્થે કોર્ટમાં રજૂ કર્યા હતા. પોલીસને એમ જ કે ગુનો ગંભીર પ્રકારનો છે તેથી કોર્ટ રિમાન્ડ મંજુર કરશે જ ને!!.. તેથી તપાસકર્તા અમલદાર એવા PI મંડોરાની જગ્યાએ PSI વાળા આરોપીઓ સાથે કોર્ટમાં પેશ થયા. પોલીસ કોર્ટને એ સમજાવામાં નિષ્ફ્ળ રહી કે કેમ તેમને રિમાન્ડ જોઈએ છે? રિમાન્ડ માટે ચોક્કસ કારણો અને હકીકત કોર્ટને જણાવવા પડતા હોય છે. કહેવાય છે કે તપાસકર્તા અમલદારની ગેરહાજરીની કોર્ટે ગંભીર નોંધ લીધી અને ટકોર પણ કરી છે કે શું?અમલદારને આ કેસ કરતા વધુ અગત્યનું કામ આવી પડ્યું છે? આ ફોર્માલિટી પુરી કરવાની વાત છે? કોર્ટે શંકા વ્યક્ત કરી હતી કે ખરેખર આવા ગંભીર ગુનાની યોગ્ય દિશાની તપાસ અને પુરાવા મેળવવાની વાતે પોલીસ ગંભીરતા દાખવશે કે પછી નબળી તપાસ અને ઢીલી નીતિનો લાભ લઈને ગુનેગારો છટકી જશે? આરોપીઓના રિમાન્ડ નામંજુર કરતા કોર્ટે પોતાના હુકમમાં સ્પષ્ટ લખ્યું છે કે ” પોલીસ એજન્સીના કસૂરને કારણે રિમાન્ડ ના મંજુર કરવામાં આવે છે”.
આરોપીઓ પાસેથી ક્યાં, ક્યારે, કોણ અને કેવી તપાસ કરવાના છે એ વિગતવાર કોર્ટમાં જણાવવું પડતું હોય છે. અહીં તો દસ દિવસનો ચિતાર આપવાનો હતો. PSI કાગળમાં લખીને અપાયેલું વાંચી ગયા હતા. કોર્ટને નવું કઈ કહેવાની કે તપાસનો રોડમેપ આપવાની જાણે તેમની કોઈ તૈયારી જ નહતી. તૈયારી વગર કોર્ટમાં પેશ થતા પોલીસ અમલદારોએ વિદ્વાન વકીલોનો પણ સામનો કરવાનો હોય છે!!.વાત એ હદે વણસી હતી કે નારાજ કોર્ટે પોતાના હુકમની એક નકલ ભરૂચ DSP ને અને એક નકલ વડોદરા રેન્જ આઈ. જી ને તાત્કાલિક પહોંચાડવાની તાકીદ કરી છે. એટલું જ નહીં, આ હુકમની નકલો રિમાન્ડ માંગનાર PSI મારફત જ DSP અને Range IG ને મળે તે રીતે મોકલી તેની રસીદ પણ કોર્ટમાં જમા કરાવવાનો હુકમમાં ઉલ્લેખ કર્યો છે!!
ભરૂચ જિલ્લા પોલીસ માટે તો જાણે બકરી કાઢતા ઊંટ પેઠું!!… ખેર, આ કેસના ત્રણ પાસા અગત્યના છે.
1) પોલીસની બેદરકારી, ઢીલી નીતિ, આળસુ વ્યવહાર સમાજ માટે નુકસાનકારક અને ગુનેગારોને લાભકર્તા સાબિત થાય તો કોર્ટ આને ફરજ પ્રત્યેની ગદ્દારી તરીકે પણ મુલવી શકે? કોર્ટનું કઈ કહેવાય નહીં!!!…
2) અભ્યાસ પોલીસે પણ કોર્ટમાં રજૂ કરતા કે થતા પહેલા કેસનો પૂરો અભ્યાસ કરવો જરૂરી છે. અન્યથા, વિદ્વાન વકીલોની અડફેટે ચઢી જવાનો ખતરો રહે છે. કાયદાનો અભ્યાસ પણ અમલદારો માટે જરૂરી મનાય!!…
3) ગંભીર ગુનાઓના ઉકેલ માટે પોલીસે પણ ગંભીરતા દાખવવી પડશે. કામનું ભારણ હોવાની વાત માની શકાય પરંતુ તે માટે જરૂરી મેનેજમેન્ટ પણ અધિકારીઓ એ કેળવવું પડશે. અન્યથા, મૂળ કેસ બાજુ પર રહેશે અને બેદરકારીના આક્ષેપવાળા કેસ ઉભા થશે!!…
આ કિસ્સામાં આગળ જતા ઘણા ટર્નીંગ પોઇન્ટ આવવાની શક્યતા નકારી શકાતી નથી. અમલદારની વાતે આરોપીઓ છટકી ના જાય એ જોવાની પણ સૌની ફરજ છે.