ભરૂચ જિલ્લાના ઝઘડીયા તાલુકાના ઉમલ્લા નજીકના દુ.વાઘપુરા ગ્રામ પંચાયતના ઉપસરપંચની વરણીને લઇને વિવાદ ઉભો થયો હતો. ગ્રામ પંચાયતની ચુંટણી બાદ ઉપસરપંચની ચુંટણીમાં એક ઉમેદવારની ઉમેદવારી કોઇ કારણોસર રદ થઇ હતી, તેથી બીજા પ્રતિસ્પર્ધી ઉમેદવારને ઉપસરપંચ તરીકે બિનહરિફ જાહેર કરવામાં આવ્યા હતા. ત્યારબાદ આ વરણીને લઇને વાંધા અરજી મુકવામાં આવી હતી. દરમિયાન હાલમાં ઉપસરપંચની ચુંટણી યોજવાનું ફરીથી જાહેર થયા બાદ ગ્રામ પંચાયતના ચુંટાયેલા ત્રણ સભ્યોએ તાલુકા જિલ્લાના અધિકારીઓને આવેદન આપી ચુંટણી નિયમ વિરુધ્ધ હોવાના આક્ષેપ સાથે ચુંટણી મોકુફ રાખવા માંગ કરી હતી. પરંતું ગ્રામ પંચાયતના ઉપસરપંચની ચુંટણી તેની જાહેરાતના નિર્ધારિત સમયે આજરોજ તા.૭ મી માર્ચના રોજ દુ.વાઘપુરાના ગ્રામ પંચાયત કાર્યાલય ખાતે યોજવામાં આવી હતી.
ગ્રામ પંચાયતના ઉપસરપંચ તરીકે મીનાબેન દિવ્યકાન્ત વસાવાની બિનહરિફ વરણી કરવામાં આવી હતી. ઉપસરપંચની ચુંટણીમાં તેમના સિવાય અન્ય કોઇ સભ્યએ ઉમેદવારી ન કરતા તેમને બિનહરિફ જાહેર કરવામાં આવ્યા હતા. નવનિયુક્ત ઉપસરપંચને સરપંચ તેમજ પંચાયત સદસ્યોએ અભિનંદન આપ્યા હતા. નવનિયુક્ત ઉપસરપંચ મીનાબેન વસાવાએ પણ તેઓ ગામના વિકાસ માટે હંમેશ પ્રયત્નશીલ રહેશે એવી લાગણી ઉચ્ચારી હતી.
ગુલામહુશેન ખત્રી રાજપારડી જિ.ભરૂચ