ડભોઇ તાલુકાનું ચાંદોદ એ ગુજરાતનું પ્રસિદ્ધ દક્ષિણ પ્રયાગ તીર્થક્ષેત્ર કહેવાય છે. ચાંદોદનો પાવન નર્મદા કિનારો, પૌરાણિક ધાર્મિક સ્થળો સહિત અનેક સંતો-મહંતોના તપ-આરાધનાથી ઉર્જાન્વિત અહીંની ભૂમિ શ્રદ્ધાળુઓ-યાત્રાળુઓ અને પર્યટકો માટે હંમેશા આકર્ષણ રૂપ અને આસ્થાના કેન્દ્ર સ્થાને રહી છે.જેના પરિણામે વર્ષભર સેંકડો શ્રદ્ધાળુઓ અહીં શ્રેય અને કલ્યાણ અર્થે પધારતા હોય છે.
તીર્થક્ષેત્ર ચાંદોદની ગ્રામ વિકાસ અને ગ્રામ ગૃહનિર્માણ મંત્રીશ્રી અર્જુનસિંહ ચૌહાણ પારિવારિક ધાર્મિક વિધિ વિધાન અર્થે તીર્થક્ષેત્ર ચાંદોદ ખાતે આવી પહોંચ્યા હતા. મંત્રી એ ચાંદોદ ગ્રામ પંચાયતના સરપંચ તેમજ અગ્રણીઓ સાથે બેઠક યોજી વિકાસ કામો અંગે ચર્ચા વિચારણા કરી હતી. તીર્થ ક્ષેત્ર ચાંદોદના સર્વાંગી વિકાસ માટે રાજ્ય સરકાર પ્રતિબદ્ધ છે તેમ તેમણે જણાવ્યું હતું.
આ પ્રસંગે વડોદરા જિલ્લા પંચાયત શિક્ષણ સમિતિના ચેરમેન અશ્વિનભાઇ પટેલ તાલુકા-જિલ્લાના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. ચાંદોદ ગ્રામ પંચાયતના મહિલા સરપંચ દિપ્તીબેન સોની, પંચાયત સભ્યો, સ્વામી ચેતનાનંદજી, નગર અગ્રણી કરણરાજસિંહ, મેહુલ સોની દ્વારા મંત્રી અર્જુનસિંહ ચૌહાણનું અભિવાદન કરવામાં આવ્યું હતું.