તાજેતરમાં નેત્રંગ મુકામે ભારતીય જનતા પાર્ટીની મળેલ બેઠકમાં કાર્યકર્તાઓના વકતવ્યનો વિડીઓ ઉતારાયો હોવા બાબતે વિવાદ થયો હતો.
આ બેઠકમાં જિલ્લા મંત્રી ભાવનાબેન પંચાલ દ્વારા વિડીઓ રેકોર્ડિંગ કરાતા કાર્યકરોની નારાજગી વચ્ચે વિવાદ વકર્યો હતો. દરમિયાન આ બાબતની જાણ જિલ્લા ભાજપા પ્રમુખ મારુતિસિંહ અટોદરિયાને થતાં તેમણે નેત્રંગ તાલુકાના પ્રભારી અને ગુજરાત હસ્તકલા નિગમના માજી ડિરેક્ટર રશ્મિકાંત પંડયાને તાકીદે નેત્રંગ મોકલીને મામલો થાળે પાડ્યો હતો. નેત્રંગ તાલુકા પ્રભારી રશ્મિકાંત પંડ્યાએ નેત્રંગ સર્કિટ હાઉસ ખાતે તાલુકાના કાર્યકરોને મળીને સમજાવ્યા હતા. પ્રભારીએ કાર્યકરોને કોઇપણ જાતના મતભેદ હોય તે ભુલી જઇને સંગઠન મજબુત બનાવવા અનુરોધ કર્યો હતો, અને તમામ હોદ્દેદારો અને કાર્યકરોને એક થઇને પાર્ટી માટે કામે લાગી જવા જણાવ્યુ હતું. તાલુકા પ્રભારી રશ્મિકાંત પંડ્યાની સમજાવટથી કાર્યકરોની નારાજગી દુર થઇ હતી, અને કાર્યકરોએ વિવાદ અને મતભેદ ભુલીને પાર્ટી માટે એક સંપથી કામ કરવા ખાતરી આપી હતી. નેત્રંગ ભાજપામાં સર્જાયેલા વિવાદ બાબતે સુખદ સમાધાન થતાં જિલ્લા સંગઠને સંતોષની લાગણી અનુભવી હતી.
ગુલામહુશેન ખત્રી રાજપારડી જિ.ભરૂચ