છેલ્લા એક અઠવાડિયાથી નેત્રંગ તાલુકા ભાજપનો આંતરીખ વિખવાદ ચરમસીમાએ પહોંચ્યો છે, ગત 28 ફેબ્રુઆરી એ મળેલ ગામ પંચાયતની સામાન્ય સભામાં પરેશ ભાટિયા અને સરપંચ હેમેન્દ્ર દેશમુખ વચ્ચે બોલાચાલી બાદ તેઓ બંને વચ્ચે સમાધાન માટે 2 ફેબ્રુઆરી એ સંગઠનના સભ્યોએ રેસ્ટ હાઉસ ખાતે એક મિટિંગ યોજી હતી જેમાં પણ ભારતીય જનતા પાર્ટીના જિલ્લા મંત્રી ભાવના બેન પંચાલ દ્વારા મિટિંગનું વીડિયો રેકોર્ડિંગ કરતા મામલો ગરમાયો હતો.
જે બાદ તાલુકા ભાજપના મોટા ભાગના કાર્યકરોએ ભાવના બેન સામે મોરચો માંડી તેઓ સામે સંગઠન કાર્યવાહી કરે તેવી માંગ ઉચ્ચારી હતી, તેમજ સંગઠનમાં આવેદનપત્ર પાઠવી રજુઆત પણ કરી હતી જે બાબતની શાહી હજુ સુકાઈ નથી તે પહેલાં તો વધુ એક નારાજગી નામું અચાનક સામે આવ્યું છે.
નેત્રંગના વતની અને જિલ્લા ભાજપ સોશિયલ મીડિયા કારોબારી સભ્ય એવા બ્રિજેશ પટેલે અચાનક પોતાના સભ્ય પદેથી રાજીનામુ ધરી દેતા ચર્ચાનું કેન્દ્ર બન્યા છે, તેઓએ રાજીનામાંમાં તેઓ સ્વેચ્છાએ રાજીનામુ આપે છે અને તેઓ કાર્યકર તરીકે પાર્ટીમાં સક્રિય રહેશે તેમ પત્રમાં લખ્યું છે, તેમજ હોદ્દા પરથી દૂર થવાની વાત સાથે રાજીનામું સંગઠન સ્વીકારે તેમ જણાવ્યું છે, આમ આજ કાલ નેત્રંગ તાલુકા ભાજપમાં થઇ રહેલા વિખવાદ ચર્ચાનું કેન્દ્ર બન્યા છે.