આગામી તા. ૮ મી માર્ચના રોજ આંતરરાષ્ટ્રીય મહિલા દિન નિમિત્તે સંયુકત રાષ્ટ્ર સંઘ દ્વારા મહિલાઓને માન સન્માન આપવા, મહિલાઓની શકિતને ઉજાગર કરવા, તેઓની ક્ષમતાને ઉત્સાહિત તેમજ પ્રેરિત કરવા દર વર્ષે અલગ અલગ થીમ પર સમગ્ર વિશ્વમાં મહિલા દિવસની ઉજવણી કરવામાં આવે છે. વર્ષ ૨૦૨૨-૨૩ માટે સયુંકત રાષ્ટ્ર સંઘ દ્વારા ૮ મી માર્ચ આંતરાષ્ટ્રીય મહિલા દિવસની થીમ Gender Equality Today for a Sustainable Tomorrow (સશક્ત ભવિષ્ય માટે જાતિય સમાનતા) જાહેર કરવામાં આવી છે.
વડોદરા જિલ્લામાં આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ નિમિત્તે મહિલાલક્ષી યોજનાઓ – કાર્યક્રમોની જાણકારી માટે તથા મહિલાલક્ષી થીમ આધારીત કાર્યક્રમો યોજવામાં આવનાર છે. વડોદરામાં મહિલા દિવસની ઉજવણીના આયોજન અર્થે કલેકટર અતુલ ગોરના અધ્યક્ષસ્થાને બેઠક યોજાઈ હતી. મહિલા અને બાળ વિકાસ વિભાગ દ્વારા યોજાનાર આ કાર્યક્રમ તા. ૮ માર્ચના રોજ સવારે ૯.૩૦ કલાકે શહેરના સયાજી નગરગૃહ, અકોટા ખાતે આંતરરાષ્ટ્રીય મહિલાદિનની ઉજવણી કરવામાં આવશે.
કલેકટર ગોરે જણાવ્યું કે આંતરરાષ્ટ્રીય મહિલા દિને શહેર જિલ્લાની અગ્રેસર મહિલાઓનું સન્માન, માતા યશોદા એવોર્ડ વિતરણ, ગંગા સ્વરૂપા આર્થિક સહાય યોજનાના લાભાર્થીઓને મંજુરી હુકમ, ગંગા સ્વરૂપા પુનઃલગ્ન આર્થિક સહાય યોજનાના લાભાર્થીને ચેક – મંજુરી હુકમ વિતરણ, વ્હાલી દિકરી યોજનાના લાભાર્થીને કીટ મંજુરી હુકમ વિતરણ, વરીષ્ઠ ગંગા સ્વરૂપા બહેનનું સન્માન તથા અન્ય જુદી જુદી યોજના હેઠળ કિટ વિતરણ કાર્યક્રમ યોજવામાં આવશે. પંચાયત સ્તરે તેમજ નગરપાલિકા, મહાનગરપાલિકા સ્તરે સામાજિક અને આર્થિક વિકાસમાં સ્થાનિક રીતે ઉત્કર્ષ યોગદાન આપી રહેલ મહિલાઓનું સન્માન કરવામાં આવશે. આ ઉપરાંત કાર્યક્રમના સ્થળે વિવિધ મહિલાલક્ષી યોજનાઓના સ્ટોલ પણ ઊભા કરવામાં આવશે.
મહિલા અને બાળ વિકાસ અધિકારી માધવી ચૌહાણે મહિલા દિનની ઉજવણીના આયોજન અંગેની વિસ્તૃત વિગતો આપી હતી. આ બેઠકમાં જિલ્લા વિકાસ અધિકારી ડો. રાજેન્દ્ર પટેલ, જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામક સંજય પંડ્યા, પ્રાંત અધિકારી, નાયબ જિલ્લા વિકાસ અધિકારી દીપ્તિબેન રાઠોડ, વિવિધ વિભાગોના અધિકારીઓ હાજર રહ્યા હતા.