ભરૂચના સાંસદ મનસુખ વસાવા દ્વારા કરજણના મામલતદાર સાથે અશોભનીય વર્તન કરી ગાળો ભાંડવાના વિરોધમાં આજરોજ રાજ્યના તમામ મામલતદારો કાળી પટ્ટી પહેરીને ફરજ બજાવી હતી. જ્યારે આવતીકાલે 4 માર્ચના રોજ મામલતદારો માસ સીએલ પર ઉતરશે.
કરજણના માલોદ પાસે રેતીના ડમ્પર અડફેટે ત્રણ લોકોનાં મોત થયા હતા. આ બાબતની જાણ થતાં ભરૂચના સાંસદ મનસુખભાઈ વસાવા અને માજી ધારાસભ્ય સતીષભાઈ નિશાળીયા દ્વારા 21 ફેબ્રુઆરીના રોજ કરજણ મામલતદાર અને તેમના સ્ટાફ સાથે અશોભનીય વર્તન કરવામાં આવ્યું હતું જે મામલે ગુજરાત રાજ્ય મામલતદાર એસોશીયેશન દ્વારા બંને સંબંધિત પદાધિકારીઓ જાહેરમાં મામલતદારની માફી માંગવા માટે અને તેમના વિરૂધ્ધ યોગ્ય કાર્યવાહી કરવા આવેદનપત્ર આપ્યું હતું. પરંતુ આજદિન સુધી સાંસદ તરફથી કોઈ પ્રત્યુત્તર ન મળતા આજરોજ રાજ્યના તમામ મામલતદારો કાળી પટ્ટી પહેરીને ફરજ બજાવી હતી. જ્યારે આવતીકાલે 4 માર્ચના રોજ રાજ્યના તમામ મામલતદારો માસ.સી.એલ પર ઉતરશે. જ્યારે 4 માર્ચ પછી આગળના કાર્યક્રમો જાહેર કરવામાં આવશે.
ઉલ્લેખનિય છે કે, કરજણના માલોદ પાસે રેતીના ડમ્પર અડફેટે ત્રણ લોકોનાં મોત થયા હતા. આ બાબતની જાણ થતાં સાંસદ મનસુખ વસાવા મંગળવારે કરજણના પૂર્વ ધારાસભ્ય સતીષ નિશાળિયા સાથે ઘટના સ્થળની મુલાકાતે પહોંચ્યા હતા. આ સમયે પ્રોટોકોલ મુજબ કરજણ મામલતદાર પણ ઘટનાસ્થળે પહોંચ્યા હતા. સાંસદે મનસુખ વસાવાએ જાહેરમાં જ અધિકારીઓનો ઊધડો લીધો હતો અને તેમને બેફામ ગાળો ભાંડી ગંભીર આક્ષેપો કર્યા હતા.