ભરૂચ નગરપાલીકા હદ વિસ્તારના અનેક માર્ગો બિસ્માર અવસ્થામાં છે, કેટલાય વોર્ડના એવા વિસ્તાર છે જયાં આજદિન સુધી બિસ્માર બનેલ માર્ગનું સમારકામ કરવામાં આવ્યું નથી. ભરૂચના વોર્ડ નંબર ૧૦ માં પણ કેટલાય વિસ્તારોમાં રસ્તા આજે પણ બિસ્માર હાલતમાં જોવા મળી રહ્યા છે,જેને પગલે પાલીકા સામે લોકોમાં રોષની લાગણી છવાયેલી જોવા મળી રહી છે.
આજરોજ વોર્ડ નંબર ૧૦ ના AIMIM ના કોર્પોરેટરએ સ્થાનિકોને સાથે રાખી રસ્તા પર ઉતરી આવી વિરોધ પ્રદર્શન કર્યું હતું, આલી ઢાળથી કતોપોર દરવાજા સુધીના માર્ગ અત્યંત બિસ્માર હાલતમાં હોય તેમજ અનેકવાર પાલિકામાં રજૂઆતો કરવામાં આવી હોવા છતાં માર્ગનું સમારકામ ન કરવામાં આવતા આખરે સ્થાનિકોએ વિરોધ પ્રદર્શન કરી ભરૂચ નગરપાલિકા સામે રોષ વ્યકત કર્યો હતો.
મહત્વનું છે કે કતોપોર દરવાજા સુધીના આ માર્ગ ઉપર અનેક વેપારીઓ પોતાનો ધંધો રોજગાર ચલાવી પોતાના પરિવારનું ગુજરાન ચલાવતા હોય છે,આ વિસ્તારમાં રોજની હજારો લોકોની અવરજવર હોય છે પરંતુ બિસ્માર માર્ગના પગલે આ વિસ્તારોમાં ખરીદી કરવા આવતા લોકો જતા અચકાય છે જેની સીધી અસર વેપાર ધંધા ઉપર પડે છે ત્યારે અવારનવાર પાલિકામાં વેપારીઓએ રજુઆત કરવા છતાં આજદિન સુધી રસ્તાની કામગીરીને લઈ કોઈ નક્કર જવાબ ન મળતા હવે સ્થાનિક વેપારીઓ અને પ્રજાએ પાલીકા સામે મોરચો માંડી રસ્તા પર ઉતરી આવી સુત્રોચ્ચાર કરી વિરોધ વ્યકત કર્યો હતો અને વહેલી તકે રસ્તાનું સમારકામ શરૂ કરવામાં આવે તેવી માંગ કરી હતી.
હારૂન પટેલ : ભરૂચ